દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે પણ આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાં અવિરત રીતે વરસાદના હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દ્વારકા તાલુકામાં ૫૪ મી.મી., ખંભાળિયા તાલુકામાં ૪૬ મી.મી., ભાણવડ તાલુકામાં ૪૫ મી.મી. અને કલ્યાણપુર તાલુકામાં ૧૬ મી.મી. પાણી વરસી જવા પામ્યું છે. આ સચરાચર વરસાદથી નદી-નાળા તેમજ ચેકડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક થવા પામી છે. સાવર્ત્રિક વરસાદના પગલે વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. આજે સવારથી જુદા જુદા ભાગોમાં સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા અને જનજીવન રાબેતા મુજબ ચાલ્યું હતું. આજે સવારે ૮ વાગ્યા સુધીમાં સુધીમાં કલ્યાણપુર તાલુકામાં કુલ સાડા ૧૩ ઈંચ (૩૩૯ મી.મી.), દ્વારકામાં સવા ૧૦ ઈંચ (૨૫૪ મી.મી.), ખંભાળિયામાં ૮ ઈંચ (૧૯૯ મી.મી.) અને ભાણવડમાં સાડા ૭ ઈંચ (૧૮૬ મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૯ ઈંચ જેટલો (૨૪૫ મી.મી.) નોંધાઈ ચૂક્યો છે.