જૂનાગઢ શહેર-જીલ્લામાં ૧૦૦થી વધુ તાજીયા પડમાં આવશે : ઠેર-ઠેર ઠંડા પાણી, શરબત અને ન્યાઝ સમૂહ પ્રસાદના સમિયાણામાં ગમે હુસૈનના નારા સાથે માનવતાનો સાદ
ઇસ્લામ ધર્મના પેગંબર હજરત મહમદ સાહેબના(દોહિત્ર) હજરત ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથીદારોએ યજિદ સામે સત્ય, અહિંસા કાજે તાબે ન થઈ ધર્મયુધ્ધમાં શહીદી વોહરી લીધી હતી. ઇમામ હુસેન અને શહીદોની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં મોહરમની ઉજવણીનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં નવાબકાળથી વિશિષ્ટ રીતે મોહરમની ઉજવણી થાય છે. ૧ થી ૧૦ તારીખ સુધી દરરોજ બહેનો અને ભાઈઓમાં મજલીસ, વાઇઝ અને નમાઝની સાથે સાથે સાર્વજનિક સમૂહ પ્રસાદ ન્યાઝના આયોજન થાય છે. મોહરમની છઠ્ઠી તારીખ આ વર્ષે અંગ્રેજી તારીખ બે જુલાઈ બુધવારે ઇમામ હુસેનના મોટાભાઈ હજરત ઈમામ હસનના શહેઝાદા હઝરત કાસીમની યાદમાં બહેનોમાં મહેંદીની રસમ અદા કરવામાં આવે છે. શહેરના ગિરનાર રોડ ઉપર આવેલ હુસેન મંઝિલમાં બપોરે ૪ વાગે બહેનોમાં મહેંદીની રસમ અદા કરવામાં આવે છે. આ મહેંદીમાં તમામ ધર્મની બહેનો માનતા માને છે. તેમની મનોકામના આવતા વર્ષ સુધીમાં પુરી થઈ જ જાય છે તેવી શ્રધ્ધા પ્રવર્તે છે. બીજા દિવસે એટલે કે ગુરૂવારે તારીખ ૩ જુલાઈના રોજ હુસેન મંઝીલમાંથી કરબલાના શહીદોની યાદમાં અલમ શરીફનું ઝુલુસ નીકળે છે. આ ઝુલુસ મોડી રાત સુધી શહેરમાં ફરે છે. જૂનાગઢની પરંપરા છે કે અલમ શરીફના ઝુલુસથી મોહરમના ઝુલુસોનો પ્રારંભ થાય છે. ત્યારબાદ ૯ તારીખે નવાબના વખતની ચાંદીની સેઝ અને તાજીયા પડમાં આવે છે તેમ મધુર સોશિયલ ગ્રુપનાં સલિમભાઇ ગુજરાતીએ એક યાદીમાં જણાવ્યું છે.