દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ વરસાદની ગતિ ધીમી રહ્યા બાદ ગઈકાલે ગુરૂવારે સવારથી જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે હળવા તેમજ ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં ગુરૂવારે આખો દિવસ ભાણવડ તાલુકામાં મેઘ મહેર વરસતા બે ઈંચ (૫૨ મી.મી.) પાણી પડી ગયું હતું. તે જ રીતે ખંભાળિયામાં પણ દિવસ દરમિયાન ૧૩ મી.મી. વરસાદ નોંધાયો છે. જાેકે ખંભાળિયા તાલુકાના કોટા, જે.પી. દેવળીયા સહિતના કેટલાક ગામોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવેલા જાેવા મળ્યા હતા.આ સાથે કલ્યાણપુર તાલુકામાં ૩ મી.મી. પાણી વરસી ગયું હતું. ગઈકાલે દિવસ દરમિયાન ખંભાળિયામાં અવારનવાર વીજ પુરવઠો ખોવાઈ જતા લોકો ત્રાસી ગયા હતા. આજે પણ દિવસ દરમિયાન વરસાદી વિરામ વચ્ચે થોડો સમય સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં ૧૪ ઈંચ (૩૪૮ મી.મી.), દ્વારકામાં ૧૦ ઈંચ (૨૫૪ મી.મી.), ભાણવડમાં સાડા નવ ઈંચ (૨૪૧ મી.મી.) અને ખંભાળિયામાં સવા આઠ ઈંચ (૨૧૪ મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા ૧૦ ઈંચ (૨૬૪ મી.મી.) થવા પામ્યો છે.