દ્વારકામાં વ્યકિતદીઠ ૮૦૦, બેટ દ્વારકામાં વ્યકિતદીઠ ૫૦૧
ઓનલાઈન એપ્લીકેશનની દુનિયામાં ઠગાઈના જયારે અલગ અલગ કિમિયાઓ અજમાવવામાં આવી રહ્યા છે ત્યારે તેમાં ધાર્મિક સ્થાનોના નામે પણ ઠગાઈ કરાતી હોય તેવા કિસ્સાઓ બન્યા છે. એન્ડ્રોઈડ ફોનમાં હાલ હરિ ઓમ નામની એપ્લીકેશનમાં દ્વારકા બેટ દ્વારકા સહિત દેશભરના ૩૨ જેટલા તીર્થસ્થાનોમાં દર્શન ઈત્યાદિની સુવિધાઓ અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ કરાઈ છે. જેમાં દ્વારકા તથા બેટ દ્વારકા તીર્થ સ્થાનોમાં તત્કાલ દર્શન કરવા હોય તો દિવસ અને સમય સ્લોટ સાથે દ્વારકાધીશ મંદિરમાં વ્યકિતદીઠ ૮૦૦ અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્યકિતદીઠ ૫૦૧ રૂપિયા લખાયેલા છે. જાે કે આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જે તે તીર્થસ્થાનનું વહીવટી તંત્ર અજાણ હોય આ એપ્લીકેશન સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે દ્વારકામાં ઉહાપોહ જાગ્યા બાદ વેબસાઈટ અને એપ્લીકેશનમાં ઉપલબ્ધ ૩ર ધાર્મિક સ્થળોમાંથી દ્વારકા ગાયબ કરી દેવાયું છે. દ્વારકાના રીપોર્ટર ધનવંત વાયડા દ્વારા આ એપ્લીકેશનના હેલ્પલાઈન ઉપર ફોન કરી વીઆઈપી દર્શન કરાવવા વ્યકિતદીઠ ૮૦૦ રૂપિયા લેવાતા હોવાની પુષ્ટિ કરતો ઓડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે. આ હરિ ઓમ એપ્લીકેશન સાચી છે કે ફ્રોડ તેની તેમજ જાે ખરેખર આ એપ્લીકેશન દ્વારા ચાર્જ લેવાતો હોય તો વ્યકિતદીઠ ૮૦૦ રૂપિયા કોના ખિસ્સામાં જાય છે તેની પણ તપાસ થવી જરૂરી છે.