વરાવળમાં પોલીસવડાએ હિન્દુ- મુસ્લીમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી સહકાર આપવા અપીલ કરી : જીલ્લા પોલીસની ટીમ સોશિયલ મિડીયામાં થતી પોસ્ટો ઉપર ખાસ વોચ રાખશે
આગામી તા.૬ને રવિવારના રોજ મુસ્લિમ સમુદાયનો મહત્વપૂર્ણ મહોરમનો તહેવાર હોય જેને અનુલક્ષીને ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડ હિન્દુ-મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો સાથે મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક કરી હતી. આ પર્વેને લઈ શહેરના રાજમાર્ગો ઉપર સીટી પોલીસની ટીમે ફલેગમાર્ચ પણ કર્યુ છે. આ બેઠકમાં સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલભાઇ પંજા સહિત હિન્દુ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે વેરાવળ સીટી પીઆઈ એચ.આર.ગૌસ્વામીએ મહોરમ તહેવારને અનુલક્ષીને પોલીસની તૈયારીઓ અંગે માહિતગાર કર્યા હતા. બાદમાં પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ઉપસ્થિત સર્વે આગેવાનોને જણાવેલ કે, જિલ્લામાં દરેક સમુદાયના તહેવારો શાંતિપૂર્ણ અને સુલેહભર્યા વાતાવરણ વચ્ચે ઉજવાતા રહ્યા છે. આગામી મહોરમનો તહેવાર હોય જેમાં તાજીયાનું ઝુલુસ નીકળે છે જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જાેડાય છે. ત્યારે આ તહેવાર દરમ્યાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુચારૂરૂપે જળવાઈ રહે તે માટે દરેક આગેવાનો અને સમુદાયના નાગરિકોએ પોલીસ તંત્રને સહકાર આપવો અનિવાર્ય બની જાય છે. જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સુચારૂરૂપે જાળવવા માટે ખાસ સોશિયલ મીડિયાને લઈ દરેક આગેવાનોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં કોઈ વાંધાજનક પોસ્ટ થાય નહીં અને અન્ય કોઈ જિલ્લા કે અન્ય કોઈ પ્રદેશની કોઈ વિવાદાસ્પદ પોસ્ટને લઈ આપણા જિલ્લાની સુલેહ શાંતિને અસર પહોંચે તેવી કોઈ નાગરિકો પ્રવૃત્તિ કરવી નહીં. આ પ્રવૃત્તિ રોકવા જિલ્લા પોલીસની ખાસ ટીમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર કોમ્બિંગ હાથ ધરાશે. આ ઉપરાંત તહેવારો પૂર્વે પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ડ્રોન સર્વેલેન્સ સહિતની સુરક્ષાને લઈ કરવામાં આવનાર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ તો દરેક આગેવાનો અને નાગરિકો પોલીસના સાથ સહકારમાં રહે અને તહેવારોને શાંતિપૂર્ણ અને સુલેહભર્યા વાતાવરણમાં ઉજવીએ તેવી અપીલ પણ કરી હતી. આ બેઠકમાં ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ અરવિંદસિંહ જાડેજા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ વાઘેલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ સીટી પોલીસના સ્ટાફ દ્વારા તહેવારને અનુલક્ષીને શહેરના સંવેદનશીલ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ફેલગમાર્ચ યોજી હતી.