ઊનાથી ૨૦ કિલોમીટર દૂર નાદરખ ગામની સીમમાં આવેલ સ્મશાન પાસે એક યુવાનનો મૃતદેહ પડેલ હોવાની જાણ ઊના પોલીસ સ્ટેશનને થતા પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણા, પી.એસ.આઇ. બોરીચા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહની ઓળખ મેળવતા તે નાદરખ ગામનો રામભાઈ ખાટુભાઈ ખસીયા(ઉ.વ.૩૦)નો મૃતદેહ હતો. શરીર ઉપર ડાઘાના નિશાન હોય શંકાસ્પદ મૃત્યુ લાગતા પોસ્ટમોટમ કરવા ઊના હોસ્પિટલે લઈ જવાયો છે. જાણવા મળતી વિગત મુજબ રામભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન કરતો હતો. પરિવારમાં માતા અને પિતા તેમજ બે દીકરી, એક દીકરો અને બે નાના ભાઈ છે. લોકોના જણાવ્યા મુજબ મિલનસાર સ્વભાવનો અને કોઈ સાથે દુશ્મની પણ ન હતી. મૃત્યુનું સાચું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.