અમિતાભ બચ્ચનની નવી પ્રોપર્ટી ડીલ, ભાડામાંથી દર મહિને મળશે રૂ.૩૩ લાખ

મુંબઈની કોમર્શિયલ પ્રોપર્ટીના ત્રણ માળ પાંચ વર્ષ માટે લીઝ પર આપ્યા, ડીલની કુલ કિંમત રૂ.૨૧.૮૮ કરોડ

અમિતાભ બચ્ચનની નવી પ્રોપર્ટી ડીલ, ભાડામાંથી દર મહિને મળશે રૂ.૩૩ લાખ

મુંબઈ, તા. ૨૦
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર રિયલ એસ્ટેટને લઈને ચર્ચામાં આવ્યા છે. મુંબઈમાં તેમની કોમર્શિયલ પ્રોપર્ટી સાથે જોડાયેલી નવી ડીલ સામે આવી છે, જેના અંતર્ગત તેમને દર મહિને લાખો રૂપિયાનું ભાડું મળવાનું છે. પ્રોપર્ટી રજીસ્ટ્રેશન સાથે જોડાયેલી માહિતી અનુસાર, અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં આવેલા સિગ્નેચર બિલ્ડિંગના ત્રણ ફ્લોર લીઝ પર આપ્યા છે.
મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય ફ્લોરનું કુલ કાર્પેટ એરિયા આશરે ૮,૪૨૮ ચોરસ ફૂટ છે. આ જગ્યા ન્યૂટ્રિશન બ્રાન્ડ TruNativ F&B Private Limited દ્વારા લીઝ પર લેવામાં આવી છે. કરાર મુજબ કંપની દર મહિને આશરે ૩૩ લાખ રૂપિયા ભાડું ચૂકવશે. આ કરાર પાંચ વર્ષ માટે કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર સમયગાળા દરમિયાન બચ્ચન પરિવારને આશરે ૨૧.૮૮ કરોડ રૂપિયાની આવક થવાની છે.
આ ડીલમાં કંપનીએ આશરે ૧.૯૮ કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ જમા કરાવી છે. કરારની ખાસ વાત એ છે કે ભાડામાં દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવામાં આવશે. એટલે કે પાંચ વર્ષ દરમિયાન માસિક રેન્ટ એકસરખું નહીં રહે અને સમય સાથે તેમાં વધારો થતો જશે. આ લીઝ એગ્રીમેન્ટ ૭ ઓગસ્ટે કરવામાં આવ્યો હતો, જ્યારે ભાડાની ગણતરી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ થવાની છે.
કંપનીના કર્મચારીઓ માટે પાર્કિંગની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. બિલ્ડિંગમાં કુલ નવ વાહનો પાર્ક કરી શકાય તેવી જગ્યા કંપનીને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી મુંબઈની કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ અને તેને ભાડે આપવાના મામલે સક્રિય જોવા મળી રહ્યા છે. વર્ષ ૨૦૨૩માં તેમણે વોર્નર મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડને મુંબઈના લોટસ સિગ્નેચર બિલ્ડિંગમાં પોતાની ચાર ઓફિસ લીઝ પર આપી હતી. આ ડીલ માર્ચ ૨૦૨૪માં પૂર્ણ થઈ હતી અને તેના બદલામાં તેમને દર મહિને આશરે ૧૭.૩૦ લાખ રૂપિયાનું ભાડું મળતું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રોપર્ટી સાથે પણ કંપની માટે ૧૨ પાર્કિંગ સ્પેસની સુવિધા રાખવામાં આવી હતી.
મુંબઈ ઉપરાંત અમિતાભ બચ્ચને અયોધ્યામાં પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. તેમણે રામનગરી અયોધ્યાના તિરૂહા માઝા વિસ્તારમાં આશરે ૨.૬૭ એકર જમીન ખરીદી હોવાનું જાણવા મળે છે. આ સોદો લગભગ ૩૫ કરોડ રૂપિયામાં થયો હતો. આ જમીન સરયૂ નદી નજીકના એક લક્ઝરી પ્રોજેક્ટની આસપાસના વિસ્તારમાં આવેલી છે અને રામ મંદિરથી પણ થોડા અંતરે હોવાનું જણાવાય છે.
આ રીતે ફિલ્મી કારકિર્દી ઉપરાંત અમિતાભ બચ્ચનનું રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો પણ સતત ચર્ચામાં રહે છે. નવી લીઝ ડીલથી હવે તેમની કોમર્શિયલ પ્રોપર્ટીમાંથી થતી આવકમાં વધુ વધારો થવાનો છે.