વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશગિરિ મેઘનાથીને ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક

નવાચારી અને વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણપ્રવૃત્તિઓ બદલ સન્માન; શૈક્ષણિક રમતો નેશનલ ટોય ફેરમાં કરી ચૂકી છે ગુજરાતનું પ્રતિનિધિત્વ

વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશગિરિ મેઘનાથીને ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક

જૂનાગઢ, તા.૦૭
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે માળીયા હાટીના તાલુકાની શ્રી વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશગિરિ દુર્લભગિરિ મેઘનાથીની ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી હતી.
શિક્ષણમાં નવાચારી અભિગમ, વિદ્યાર્થીકેન્દ્રિત પ્રવૃત્તિઓ, સતત વ્યાવસાયિક વિકાસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરેલી નોંધપાત્ર કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે.
પરેશગિરિ મેઘનાથી દ્વારા શાળામાં ‘V NEWS’ તેમજ ‘રૂબરૂ – મુલાકાતથી મંઝીલ તરફ’ જેવી નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ શાળાની યુટ્યુબ ચેનલના માધ્યમથી ચલાવવામાં આવે છે. તેમની આ શૈક્ષણિક પ્રવૃત્તિઓની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત ‘પરેશ કી પાઠશાળા’ બ્લોગના માધ્યમથી ‘રમતાં રમતાં શીખો...’ શીર્ષક હેઠળ અભ્યાસક્રમ આધારિત વિવિધ શૈક્ષણિક રમતો તૈયાર કરવામાં આવી છે. આ રમતો નેશનલ ટોય ફેરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂકી છે.
શિક્ષણક્ષેત્રે તેમની કામગીરી માત્ર શાળા પૂરતી સીમિત રહી નથી. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની NISHTHA તાલીમ, DIKSHA પ્લેટફોર્મ માટે ઈ-કન્ટેન્ટ નિર્માણ તેમજ રાજ્ય કક્ષાએ ગુજરાતી વિષયના મોડ્યુલ, પ્રશ્નબેંક, સ્વ-અધ્યયન પોથી અને પાઠ્યપુસ્તક સમીક્ષામાં તજજ્ઞ તરીકે તેમણે યોગદાન આપ્યું છે. આ સાથે KRP અને RP તરીકે પણ તેમણે શિક્ષકોને વિવિધ તાલીમ આપી છે.
તેમની આ કામગીરીને ધ્યાનમાં રાખીને ૦૫ સપ્ટેમ્બરના રોજ સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, જૂનાગઢ ખાતે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેમને ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
પરેશગિરિ મેઘનાથીની આ સિદ્ધિને લઈને શાળા પરિવાર, શિક્ષણ જગત અને ગ્રામજનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.