જૂનાગઢમાં ૮થી ૧૩ વર્ષના બાળકો માટે સાત દિવસીય એડવેન્ચર કોર્સ, અરજીઓ મંગાવાઈ
પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે ખડક ચઢાણ સહિતની તાલીમનું આયોજન; ૧ ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી, તાલીમ-નિવાસ અને ભોજનની મળશે સુવિધા
જૂનાગઢ તા,૦૭
રાજ્યના ૮થી ૧૩ વર્ષની વયના બાળકોને સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાવાની તક મળે તે માટે જૂનાગઢ ખાતે સાત દિવસીય એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા સંચાલિત આ કોર્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
જૂનાગઢ ખાતે આગામી તા. ૦૧/૧૧/૨૦૨૬થી તા. ૦૭/૧૧/૨૦૨૬ દરમિયાન સાત દિવસીય એડવેન્ચર કોર્સ યોજાશે. જેમાં ૮થી ૧૩ વર્ષની વયના બાળકો ભાગ લઈ શકશે. કોર્સ દરમિયાન બાળકોને ખડક ચઢાણ સહિતની સાહસિક પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવશે.
આ કોર્સમાં જોડાનારા બાળકો માટે તાલીમ ઉપરાંત નિવાસ અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ આવવા-જવાનો પ્રવાસ ખર્ચ પણ સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર આપવામાં આવશે.
કોર્સમાં જોડાવા ઇચ્છતા અરજદારો નિયત અરજી ફોર્મ Facebook પેજ ‘SVIM ADMINISTRATION’ પરથી ડાઉનલોડ કરી શકશે. અરજી ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે સંપૂર્ણ રીતે ભરીને તા. ૦૧/૧૦/૨૦૨૬ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે પહોંચાડવાનું રહેશે.
એડવેન્ચર કોર્સ અને અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢના ફોન નંબર ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરી શકાશે.


