જૂનાગઢમાં પોલીસ MT યાર્ડમાં ભીષણ આગ

જપ્ત કરેલા 18થી વધુ વાહનો બળી ખાખ, કારણ અકબંધ તપાસ શરૂ

જૂનાગઢમાં પોલીસ MT યાર્ડમાં ભીષણ આગ

જૂનાગઢ તા.25
જૂનાગઢ શહેરમાં પોલીસના એમટી વિભાગમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા વાહનો રાખવામાં આવેલા યાર્ડમાં આગ ભભૂકી ઊઠી હતી.
આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આ આગમાં અંદાજે 18થી વધુ વાહનો ખાખ થઈ ગયા છે, જેમાં 15 બાઈક, 2 રિક્ષા અને એક કારનો સમાવેશ થાય છે.
ફાયર વિભાગ દ્વારા લગભગ 15 હજાર લિટર પાણીનો ઉપયોગ કરીને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ પોલીસે તપાસ શરૂ કરી છે અને જરૂર પડે તો એફએસએલની મદદ પણ લેવામાં આવશે.