આજે ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરૂધ્ધ વિપક્ષોનું હલ્લાબોલ રાહુલ ગાંધી, પ્રિયંકા વિરૂધ્ધ બે દિવસમાં બે એફઆઈઆર નોંધાઈ
નવી દિલ્હી તા.૦૮
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં વિપક્ષે આજે સતત ત્રીજા દિવસે દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે મારપીટના મામલે FIR નોંધવામાં આવી છે.
દિલ્હી પોલીસ અનુસાર ત્રણ FIR નોંધાઈ છે. આ પહેલાં, ૬ ઑક્ટોબરે માર્ચ દરમિયાન આકાશવાણી બિલ્ડિંગમાં ઘૂસવાના મામલે FIR નોંધાઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું, ‘હું FIRથી ડરતો નથી. મારી સામે ૪૫ FIR થઈ ચૂકી છે. હું ઈચ્છું છું કે ૧૦૦ FIR થાય.’
બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતત બીજા દિવસે INDIA બ્લોકના નેતાઓ માટે લંચનું આયોજન કરશે. આ લંચ કનોટ પ્લેસના આઉટર સર્કલ સ્થિત મોએટ્સ રેસ્ટોરન્ટમાં બપોરે ૧:૪૫ વાગ્યે યોજાશે. ગઈકાલે પણ ખડગેએ વિપક્ષી સાંસદો માટે લંચનું આયોજન કર્યું હતું. ત્યારબાદ બધા સાંસદો જંતર-મંતર પર પ્રદર્શન માટે નીકળી ગયા હતા.
આજના પ્રદર્શનમાં રાહુલ અને ઇન્ડિયા બ્લોકના અન્ય નેતાઓ સાથે મમતા બેનર્જી પણ જંતર-મંતર પહોંચી શકે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળતી હાલની 'Z+' સુરક્ષામાં વધુ વધારો કર્યો છે. તેમના ઘર, કાર્યાલય અને તેમની વ્યક્તિગત સુરક્ષામાં વધારાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.


