‘રામાયણ’ના રૂ.4,000 કરોડના બજેટ સામે મુકેશ ખન્નાની નારાજગી
‘મૂળ કથા જ બદલાઈ જાય તો આટલો ખર્ચ કરવાનો શું અર્થ?’ : રાવણ અને સીતાના પાત્રોના ચિત્રણ અંગે પણ ફિલ્મ નિર્માતાઓને કર્યા સવાલ
મુંબઈ, તા. 21
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ ફિલ્મના નિર્માણ અને તેના અંદાજિત બજેટ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. લગભગ રૂ. 4,000 કરોડના બજેટની ચર્ચા વચ્ચે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે રામાયણ જેવી પવિત્ર ગાથા રજૂ કરવા માટે આટલી મોટી રકમ ખર્ચવાની જરૂર શું છે, જો અંતે તેની મૂળ કથામાં જ ફેરફાર કરવામાં આવે.
મુકેશ ખન્નાના મતે રામાયણ માત્ર મનોરંજન માટેની સામાન્ય વાર્તા નથી, પરંતુ દેશના કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો મહત્ત્વનો ગ્રંથ છે. તેથી તેના પર આધારિત ફિલ્મ બનાવતી વખતે મૂળ કથા, પાત્રો અને ધાર્મિક ભાવનાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મ કેટલી કમાણી કરે છે તેનાથી વધુ મહત્ત્વનું એ છે કે તેમાં મૂળ કથાને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે કે નહીં. જો અતિશય ખર્ચ કર્યા પછી પણ વાર્તાની મૂળ ભાવના જ જળવાતી ન હોય અને માત્ર ભવ્યતા પર ભાર મૂકવામાં આવે, તો તે ખર્ચ નિરર્થક સાબિત થઈ શકે છે.
આ મુદ્દે મુકેશ ખન્ના પોતાની યુટ્યુબ ચેનલ પર ‘સંપૂર્ણ શ્રીરામ’ નામની સિરીઝ પણ લઈને આવી રહ્યા છે. આ સિરીઝ દ્વારા તેઓ રામાયણના મૂળ પ્રસંગો અને કથાને લોકો સુધી પહોંચાડવા માગે છે. તેમણે આ અંગેની જાણકારી આપતાં પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મેં સંપૂર્ણ શ્રીરામ બનાવી છે.’ તેમના કહેવાનો આશય દર્શકોને રામાયણની એવી કથા બતાવવાનો છે, જેને તેઓ મૂળ રામાયણ તરીકે ઓળખાવે છે.
ફિલ્મમાં રાવણના પાત્રને રજૂ કરવામાં આવેલી ભવ્યતા સામે પણ મુકેશ ખન્નાએ વાંધો વ્યક્ત કર્યો છે. તેમના મતે, રાવણને ભગવાન રામ કરતાં વધુ પ્રભાવશાળી રીતે દર્શાવવાનો પ્રયાસ ન થવો જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરી કે રામાયણની કથા એવી રીતે રજૂ ન થાય કે તેનું કેન્દ્ર ભગવાન રામને બદલે રાવણ બની જાય. તેમણે આ સંદર્ભમાં રામાયણને ‘રાવણાયણ’ બનાવવાના પ્રયાસ સામે નારાજગી દર્શાવી હતી.
સીતાના પાત્રના ચિત્રણ અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને સીતાને યોદ્ધા તરીકે રજૂ કરવાના વિચાર સામે તેમણે અસંમતિ વ્યક્ત કરી હતી. મુકેશ ખન્નાનું માનવું છે કે પૌરાણિક અને ધાર્મિક કથાઓમાં પોતાની કલ્પના પ્રમાણે નવા પ્રસંગો કે દૃશ્યો ઉમેરતાં પહેલાં મૂળ ગ્રંથો અને તેમાં રહેલી ભાવનાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. ફિલ્મ નિર્માતાઓએ સર્જનાત્મક સ્વતંત્રતાની સાથે દર્શકોની ધાર્મિક લાગણીઓનું પણ સન્માન કરવું જોઈએ.
આ ઉપરાંત મુકેશ ખન્નાએ સેન્સર બોર્ડની ભૂમિકા અંગે પણ પ્રશ્નો કર્યા છે. તેમણે સૂચન કર્યું છે કે રામાયણ, મહાભારત જેવા ધાર્મિક અને પૌરાણિક વિષયો પર ફિલ્મો બનાવવામાં આવે ત્યારે નિષ્ણાતો તથા વિદ્વાનોની અલગ સમિતિની મંજૂરી લેવાની વ્યવસ્થા હોવી જોઈએ. આવી સમિતિ ફિલ્મની કથા અને દૃશ્યોની સમીક્ષા કરે તો મૂળ ગ્રંથોની ભાવનાથી વિપરીત રજૂઆત અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા દૃશ્યો ટાળી શકાય. આમ, ‘રામાયણ’ના બજેટથી લઈને તેના પાત્રોના ચિત્રણ સુધીના મુદ્દે મુકેશ ખન્નાએ ફિલ્મના નિર્માતાઓ સામે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.


