અમેરિકા સુરક્ષાની ખાતરી નહીં આપે ત્યાં સુધી કોઈ સમજૂતી નહીં : ઈરાન

અમેરિકા સુરક્ષાની ખાતરી નહીં આપે ત્યાં સુધી કોઈ સમજૂતી નહીં : ઈરાન

(એજન્સી)     તહેરાન, તા. ૨૧ :
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા રાજદ્વારી પ્રયાસો ચાલુ છે ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં ફરી યુદ્ધ ન થાય તેવી ખાતરી આપતી સમજૂતી ઈરાન ઇચ્છે છે. ઈરાનના સરકારી અખબારને આપેલી મુલાકાતમાં અરાઘચીએ જણાવ્યું હતું કે મધ્યસ્થી દેશો મારફતે અમેરિકા સાથે સંદેશાઓની આપલે ચાલુ છે. જોકે વોશિંગ્ટન વાટાઘાટો માટે ખરેખર ગંભીર છે તેની ખાતરી મળે તે જરૂરી છે. અરાઘચીએ જણાવ્યું કે ઈરાન પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા મક્કમ છે. દેશમાં રહેલા ઉચ્ચ સ્તરે સંવધિર્ત યુરેનિયમને ઈરાનની બહાર મોકલવાનો મુદ્દો તેની મહત્ત્વપૂર્ણ લાલરેખા છે. જોકે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવાની શક્યતા તેમણે નકારી નથી.