ગિરનારની લીલી પરીક્રમામાં માનવ મહેરામણ
૩૬ કિ.મી.ની ગિરનારજી મહારાજની પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથુ બાંધવા ભાવિકો ઉમટી પડયા : ઠેર-ઠેર અન્નક્ષેત્રો, રાત્રીનાં સંતવાણીના કાર્યક્રમો, જંગલમાં મંગલ જેવો માહોલ
જૂનાગઢ તા. ર૧
ગિરનારની લીલી પરીક્રમાનું પુણ્યનું ભાથુ બાંધવા અને પ્રભુભક્તિમાં લીન થવા દુર-દુરથી ભાવિકો અને શ્રધ્ધાળુઓ ઉમટી પડયા છે. અને ભવનાથ તેમજ જંગલ વિસ્તારમાં જય ગિરનારીનો નાદ ગુંજી ઉઠયો છે. દર વર્ષે કારતક સુદ-૧૧ થી યોજાતી ગિરનાર પરીક્રમાનું આગવું અને અનેરૂ મહત્વ હોય જેને લઈને પરીક્રમામાં દર વર્ષે અંદાજીત દશ લાખ ભાવિકો ઉમટી પડે છે અને પરીક્રમા કરી ભજન, ભોજન, ભક્તિનાં ત્રિવેણી સંગમ સમા પરીક્રમાનાં મેળામાં ઈશ્વરની આરાધના જાેડાઈ છે. ચાલુ વર્ષે ગિરનારની પરીક્રમા માટે ભાવિકો શ્રધ્ધાળુઓ આવી પહોંચતા ભવનાથ ક્ષેત્ર અને જંગલ વિસ્તારમાં ઠેર-ઠેર ભાવિકોનાં પડાવ જાેવા મળે છે. પરીક્રમાના માર્ગો ઉપર ભાવિકોનો મહેરામણ ઉમટયો છે. સૌ કોઈને ગિરનારજી મહારાજની પરીક્રમા કરવાની હોશ છે, ઉમંગ છે અનેઈશ્વર પ્રત્યે અખુટ શ્રધ્ધા છે અને પ્રકૃત્તિનાં ખોળે પરીક્રમા કરતા ભાવિકો જાેવા મળે છે. વહેલી સવારથીજ પદયાત્રા શરૂ કરી બપોરનાં ટાણે ભોજન કરી ઘડીક વિસામો લઈ અને પરીક્રમા શરૂ કરતા જયાં રાત પડે ત્યાં વિસામો કરી પોત-પોતાનાં સંઘ દ્વારા રસોઈ બનાવી અને સૌ સાથે મળી ભોજન કરે અને ત્યારબાદ ઈશ્વરની આરાધના સાથે ભજનની રમઝટ બોલાવે અને જાણે જંગલમાં મંગલનો માહોલ સર્વત્ર જાેવા મળે છે. આ વર્ષે પણ પરીક્રમા કરવા માટે ભાવિકોનો ધસારો થતા પરીક્રમા નિયત સમય કરતા વહેલી શરૂ કરી દેવાઈ હતી અને ભાવિકોનો પ્રવાહ પરીક્રમાનાં માર્ગે રવાના થયો હતો.
પરીક્રમા દરમ્યાન ભાવિકો, શ્રધ્ધાળુઓને કોઈ જાતની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. જયારે પરીક્રમાર્થીઓને માટે પ્રસાદ-ભોજનની વ્યવસ્થા માટે ધાર્મિક સ્થળો, આશ્રમોમાં અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉતારા મંડળ તેમજ સેવાભાવી સંસ્થાાઓ દ્વારા પણ અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે. ભાવિકોને પ્રેમથી પ્રસાદ-ભોજન કરાવવામાં આવી રહયું છે. પરીક્રમાના પડાવ અને જંગલ વિસ્તારમાં રૂટ ઉપર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. ગિરનારજી મહારાજની પરીક્રમાનું પુનિત ભાથુ બાંધવા આવેલા ભાવિકો શ્રધ્ધાળુઓ દ્વારા ભવનાથ મહાદેવ મંદિર, લંબે હનુમાનજી મહારાજની જગ્યા, ગોરખનાથ આશ્રમ, ભારતી આશ્રમ સહીતનાં ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ બિરાજમાન ભગવાનનાં દર્શનનો લાભ લઈ રહયા છે. આ ઉપરાંત ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજી, ગુરૂ દત્તાત્રેય ભગવાનનાં દર્શનનો લાભ લેવા ભાવિકો ઉમટી પડયા છે. ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં આવેલા તમામ ધર્મસ્થાનો, આશ્રમોમાં ભાવિકો ઉમટી પડયા છે. અને આશ્રમો તેમજ ઉતારા મંડળ દ્વારા ચાલતા અન્નક્ષેત્રોમાં પ્રસાદ લેવામાં આવી રહયો છે. ગિરનારની લીલી પરીક્રમાનાં પાંચ દિવસનાં મેળામાં ભાગ લેવા દુર દુરથી ભાવિકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને સૌને બસ એકજ લગની છે. ઈશ્વરની આરાધના, સંતોનાં દર્શન અને પ્રકૃતિનાં ખોળે મહાલી સેવા અને પુણ્યનું ભાથુ બાંધવાનું જેને લઈને ઠેર-ઠેર જંગલમાં મંગલના દ્રશ્યો જાેવા મળે છે. પરીક્રમાને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, વનવિભાગ દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્રમામાં શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડયો છે. જય ગિરનારી, હર -હર મહાદેવ હરનો નાદ સર્વત્ર ગુંજી ઉઠયો છે.


