મુશ્કેલીના સમયમાં શરદ કપૂરને મળ્યો શાહરૂખ ખાનનો સાથ
સલમાન ખાન અને સોનુ સૂદ બાદ હવે કિંગ ખાને પણ જૂના સહકલાકારની મદદ માટે લંબાવ્યો હાથ, ફોન કરીને મદદની ખાતરી આપી અને આર્યન ખાન સાથે મુલાકાતની વાત કરી
મુંબઈ, તા. 21
બોલિવૂડમાં લાંબા સમયથી કામથી દૂર રહેલા અભિનેતા શરદ કપૂરે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે કામ આપવાની અપીલ કરી હતી. આ અપીલ બાદ સોનુ સૂદ અને સલમાન ખાન સહિતના કલાકારો તેમની મદદ માટે આગળ આવ્યા હતા. હવે અભિનેતા શાહરૂખ ખાને પણ પોતાના જૂના સહકલાકાર માટે મદદનો હાથ લંબાવ્યો છે. શરદ કપૂરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે શાહરૂખ ખાને સામેથી ફોન કરીને તેમની સાથે વાત કરી અને જરૂરિયાત મુજબ મદદ કરવાની ખાતરી આપી છે.
એક અહેવાલ મુજબ, શરદ કપૂરે શાહરૂખ ખાન સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું હતું કે કામ માટે અપીલ કરતો તેમનો વીડિયો વાયરલ થયા બાદ કિંગ ખાને તરત જ તેમનો સંપર્ક કર્યો હતો. શાહરૂખે તેમને પોતાની ઇચ્છા મુજબ કામ કરવા અને જરૂરી મદદ મેળવવા માટે આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત શરદે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનને પણ મળવાના છે. જોકે, આ મુલાકાત કોઈ ફિલ્મ કે અન્ય પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે કે કેમ તે અંગે તેમણે વધુ વિગતો આપી નથી.
શાહરૂખ ખાન સાથેની જૂની મિત્રતા વિશે વાત કરતાં શરદ કપૂરે ફિલ્મ ‘જોશ’ના શૂટિંગના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે સારો તાલમેલ હતો. શાહરૂખને કોઈ ડાયલોગ બોલવામાં મુશ્કેલી પડતી ત્યારે તેઓ મદદ કરતા હતા. ઘણીવાર શાહરૂખનો સીન તેમની સામે હોવા છતાં ફિલ્મ સારી બને તે હેતુથી તેઓ પોતાના સહકલાકારને સહયોગ આપતા હતા. શરદે શાહરૂખને આત્મવિશ્વાસુ અભિનેતા ગણાવતાં તેમની પ્રશંસા પણ કરી હતી.
આ અગાઉ અભિનેતા સોનુ સૂદે પણ શરદ કપૂરની મુશ્કેલીમાં મદદ કરી હતી. શરદના જણાવ્યા પ્રમાણે, સોનુ સૂદ સાથે મુલાકાત બાદ તેમના માટે ડોક્ટરોની એક ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. પગમાં થયેલી ઈજાની સારવાર માટે જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શરદે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની સારવાર માટે કરજત જવાના છે. આમ, કામની અછત અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ વચ્ચે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોનો સહકાર મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે શરદ કપૂરે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ‘જોશ’માં કામ કર્યું હતું. 1990 અને 2000ના દાયકામાં તેઓ અનેક ફિલ્મોમાં સહાયક અભિનેતા તેમજ નકારાત્મક ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. ‘દસ્તક’, ‘જાની દુશ્મન’, ‘યે હૈ જલવા’, ‘લાલ સલામ’, ‘એલઓસી કારગિલ’, ‘લક્ષ્ય’ અને ‘જય હો’ જેવી ફિલ્મોમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યાં હતાં. હવે કામ મેળવવા માટેની તેમની અપીલ બાદ બોલિવૂડના જાણીતા કલાકારો તરફથી મળી રહેલો સહકાર ચર્ચાનો વિષય બન્યો છે.


