રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં નરસંડા ગામે રાત્રિ સભા યોજાઈ

બાળ સંસ્કાર, કન્યા કેળવણી, નિર્વ્યસન અને પ્રાકૃતિક ખેતી અંગે ગ્રામજનોને માર્ગદર્શન; ગ્રામ કલ્યાણ અભિયાન અંતર્ગત રાજ્યપાલનો 51મો કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં નરસંડા ગામે રાત્રિ સભા યોજાઈ

ખેડા, તા. 21
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામે પટેલ વાડી નજીક ગ્રામ ચોક ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અભિયાન અંતર્ગત યોજાયેલા આ 51મા કાર્યક્રમમાં રાજ્યપાલે બાળ સંસ્કાર, નિર્વ્યસન, કન્યા કેળવણી, લિંગ સમાનતા, સામાજિક એકતા, પ્રાકૃતિક ખેતી અને પશુપાલન સહિતના વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.
સભાને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માનવતાનો અર્થ સમજાવતાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ બીજાના સુખ અને દુઃખમાં સહભાગી બને છે તે સાચા અર્થમાં મનુષ્ય છે. સમર્પણ અને સદભાવ ભારતીય સંસ્કૃતિના મહત્ત્વપૂર્ણ મૂલ્યો છે. તેમણે વાલીઓને બાળકોને શિક્ષણની સાથે સારા સંસ્કારો પણ આપવા અને તેમની ટેવો તથા સંગત પર ધ્યાન રાખવા અપીલ કરી હતી.
કન્યા કેળવણી અને સ્ત્રી-પુરુષ સમાનતાના મુદ્દે તેમણે દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના બંનેને સમાન શિક્ષણ અને તક આપવાનો સંદેશ આપ્યો હતો. સમાજના કોઈ પણ વર્ગનું બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે સૌએ જવાબદારી નિભાવવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યપાલે સમાજમાં જોવા મળતા જ્ઞાતિ અને ધાર્મિક ભેદભાવ અંગે પણ વાત કરી હતી. વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતામાં દર્શાવાયેલા માનવતાના વિચારોનો ઉલ્લેખ કરીને તેમણે ગ્રામજનોને સમાનતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દ જાળવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત દેશી ગાયના મહત્ત્વ, પશુપાલન અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધનમાં નરસંડા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમની કામગીરીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં 13 વિભાગોની આશરે 55 યોજનાઓ હેઠળ લગભગ 4,270 લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. સાથે જ પીએમજેવાય કાર્ડ હેઠળ સૌથી વધુ ક્લેમ મંજૂર કરવાની સિદ્ધિ ખેડા જિલ્લાને મળતાં તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ યોજનાઓના લાભ મેળવનારા પાંચ લાભાર્થીઓને રાજ્યપાલના હસ્તે પ્રતીકાત્મક રીતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દાનીબેન સોલંકીને વૃદ્ધ સહાય યોજના, હેમાંગીનીબેન વાઘેલાને કુંવરબાઈનું મામેરું યોજના, ભાનુભાઈ પરસોત્તમભાઈ પટેલને આયુષ્માન કાર્ડ, ચંપાબેન કાંતિભાઈ પરમારને વિનામૂલ્યે રાશન અને દીયા નીલેશભાઈ સોલંકીને વ્હાલી દીકરી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ કરે છે અને સમાજલક્ષી મુદ્દાઓ પર માર્ગદર્શન આપે છે. નરસંડા ગામની મુલાકાત આ અભિયાનનો 51મો કાર્યક્રમ હતો. આ રાત્રિ સભામાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, પોલીસ અધિક્ષક વિજય પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જોગીયા, અધિક કલેક્ટર જે.બી. દેસાઈ, વિમલભાઈ બારોટ, નડિયાદ પ્રાંત અધિકારી ચિરાગભાઈ નિમાવત, સરપંચ કપિલાબેન વાઘેલા સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.