સમગ્ર સોરઠમાં મેઘો અનરાધાર માંગરોળમાં 14, કેશોદમાં 13, માળીયામાં 12 ઈંચ મુશળધાર વરસાદ
જૂનાગઢ તા.3
જૂનાગઢ શહેર જીલ્લામાં શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 48 કલાકથી જીલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં માળીયા, માંગરોળ, કેશોદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ આજે સવારે 8 કલાકે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમ્યાન માંગરોળ ખાતે 321 મીમી વરસાદ નોંધાયો હતો ત્યારબાદ વધુ 30 મીમી વરસાદ પડતાં કેશોદ ખાતે છેલ્લા 28 કલાકમાં 351 મીમી (14 ઈંચ) વરસાદ ખાબક્યો છે. તે જ પ્રમાણે કેશોદમાં 323 મીમી (13 ઈંચ) જ્યારે માળીયા ખાતે 300 મીમી (12 ઈંચ) ધોધમાર વરસાદ પડયો છે. જ્યારે માણાવદર ખાતે 230 મીમી (9.25 ઈંચ), વિસાવદર 130 મીમી (5.25 ઈંચ), વંથલી 100 મીમી (4 ઈંચ) જૂનાગઢ 63 મીમી (2.5 ઈંચ) મેંદરડા 60 મીમી (2.25 ઈંચ) જયારે ભેસાણ ખાતે 28 મીમી (1 ઈંચ) વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર જૂનાગઢ જીલ્લામાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. અને સમગ્ર જીલ્લામાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે. નદી-નાળા-ડેમ-ચેકડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ભારે વરસાદને કારણે કેશોદ, માંગરોળ, માળીયા પંથકની નદીઓ બે કાંઠે વહી રહી છે.


