દીકરી ઐશ્વર્યાને લઈને ફેલાતી અફવાઓથી અર્જુન સરજા નારાજ
લગ્નજીવન અને ચારિત્ર્ય અંગે પાયાવિહોણી વાતો ફેલાવનારાઓ સામે નોંધાવી ફરિયાદ, અર્જુને કાયદેસરની કાર્યવાહી કરવાની આપી ચેતવણી
મુંબઈ, તા. 21
ફિલ્મી કલાકારોના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. ખાસ કરીને તેમના સંબંધો અને લગ્નજીવન અંગેની અફવાઓ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. હાલમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા અને ફિલ્મમેકર અર્જુન સરજાનો પરિવાર પણ આવી જ ચર્ચાઓને કારણે સમાચારમાં છે. મોટી દીકરી ઐશ્વર્યા અર્જુનના લગ્નજીવન અંગે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓ અને તેમના ચારિત્ર્ય વિશે કરવામાં આવતી કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે અર્જુને નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે તેમણે સંબંધિત અધિકારીઓ સમક્ષ ઔપચારિક ફરિયાદ પણ નોંધાવી છે.
અર્જુન સરજાએ 19 નવેમ્બર, ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ હંમેશાં દીકરી ઐશ્વર્યાની અંગત જિંદગીનો આદર કરતા આવ્યા છે. પરિવાર પણ તેની પર્સનલ લાઇફ અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી કરવા ઇચ્છતો નથી. ઐશ્વર્યા જ્યારે યોગ્ય સમજે અને જે રીતે ઇચ્છે ત્યારે પોતાની વાત જાતે રજૂ કરી શકે છે. જોકે, અર્જુને સ્પષ્ટ કર્યું કે કોઈના અંગત જીવન અંગે ચર્ચા કરવી અને તેના ચારિત્ર્ય પર પાયાવિહોણા આરોપો લગાવવા એ બંને અલગ બાબતો છે.
તેમના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા વિશે સોશિયલ મીડિયા પર અત્યંત અપમાનજનક વાતો ફેલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, કોઈ પુરાવા વિના તેમને દારૂ પીવાની આદત ધરાવતી હોવા સહિતના આક્ષેપોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અર્જુને કહ્યું કે કોઈ વ્યક્તિ કલાકાર હોય અને જાહેર જીવન સાથે જોડાયેલી હોય એટલા માટે તેના અંગત જીવન વિશે મનઘડંત વાતો ફેલાવવાનો અધિકાર કોઈને મળી જતો નથી. ખાસ કરીને કોઈ મહિલાના ચારિત્ર્ય પર આધારવિહોણા સવાલો ઉઠાવવા બેજવાબદાર વર્તન છે.
અર્જુને વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી તેમનો પરિવાર આવી અફવાઓ સામે મૌન જાળવવાનું પસંદ કરતો હતો, પરંતુ વારંવાર ખોટી માહિતી ફેલાવવામાં આવે ત્યારે ચૂપ રહેવું યોગ્ય નથી. આથી હવે સંબંધિત અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે અફવાઓ ફેલાવનારાઓને ચેતવણી આપતાં કહ્યું કે જરૂર પડ્યે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સન્માન અને વ્યક્તિગત ગરિમા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
અર્જુને આ મુદ્દાને માત્ર પોતાની દીકરી પૂરતો મર્યાદિત રાખ્યો નથી. તેમણે એવી મહિલાઓ પ્રત્યે પણ સમર્થન વ્યક્ત કર્યું છે, જેમને પોતાની અંગત જિંદગી અને વ્યક્તિગત નિર્ણયો માટે સમાજના સવાલોનો સામનો કરવો પડે છે. દરેક મહિલાને પોતાની પસંદગી પ્રમાણે સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે કોઈની રહેણીકરણી કે અંગત નિર્ણયોના આધારે તેને બદનામ કરવી યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અર્જુને જૂન 2024માં અભિનેતા ઉમાપતિ રામૈયા સાથે ચેન્નઈમાં લગ્ન કર્યા હતા. ઉમાપતિ જાણીતા અભિનેતા થમ્બી રામૈયાના પુત્ર છે. બંનેની મુલાકાત વર્ષ 2021માં રિયાલિટી શો ‘સર્વાઇવર તમિલ’ દરમિયાન થઈ હતી. આ મુલાકાત બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે ધીમે સંબંધ લગ્ન સુધી પહોંચ્યો હતો. ઓક્ટોબર 2023માં બંનેએ સગાઈ કરી હતી.
બીજી તરફ, અર્જુનની નાની દીકરી અંજનાએ આ વર્ષે ઓક્ટોબરમાં ઈસાયા નટર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નપ્રસંગમાં ઐશ્વર્યાના પતિ ઉમાપતિ અને તેમના પિતા થમ્બી રામૈયા હાજર ન રહેતાં લોકોનું ધ્યાન ખેંચાયું હતું. ત્યારબાદ ઐશ્વર્યા અને ઉમાપતિના લગ્નજીવનમાં અણબનાવ હોવાની અટકળો સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી. જોકે, આ ચર્ચાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. હવે અર્જુન સરજાની ફરિયાદ અને નિવેદન બાદ આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.


