નવાઝુદ્દીન સિદ્દીકીની નવી મ્યુઝિકલ થ્રિલર તૈયાર, રિલીઝ માટે OTT પ્લેટફોર્મની શોધ

તિગ્માંશુ ધૂલિયાના દિગ્દર્શનમાં બની ‘વો ફિર કભી દિખા નહીં’; ઉદય પ્રકાશની વાર્તા પરથી મુંબઈના સ્લમ વિસ્તારની કહાની થશે રજૂ

નવાઝુદ્દીન સિદ્દીકીની નવી મ્યુઝિકલ થ્રિલર તૈયાર, રિલીઝ માટે OTT પ્લેટફોર્મની શોધ

મુંબઈ, તા.૨
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને ફિલ્મમેકર તિગ્માંશુ ધૂલિયા ફરી એકવાર નવા પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. તિગ્માંશુના દિગ્દર્શનમાં નવાઝુદ્દીનને મુખ્ય ભૂમિકામાં લઈને મ્યુઝિકલ થ્રિલર ફિલ્મ ‘વો ફિર કભી દિખા નહીં’ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તેની રિલીઝ માટે યોગ્ય ઓટીટી પ્લેટફોર્મની શોધ ચાલી રહી હોવાનું જણાવાયું છે.
તિગ્માંશુ ધૂલિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીનો વ્યાવસાયિક સંબંધ એક દાયકાથી પણ વધુ જૂનો છે. બંને અગાઉ ત્રણ વખત કલાકાર તરીકે સાથે કામ કરી ચૂક્યા છે. જોકે, આ વખતે તેમની જોડી અલગ ભૂમિકામાં જોવા મળશે. તિગ્માંશુ ફિલ્મના દિગ્દર્શક છે, જ્યારે નવાઝુદ્દીન અભિનેતા તરીકે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
‘વો ફિર કભી દિખા નહીં’ લેખક ઉદય પ્રકાશની આ જ નામની વાર્તા પરથી બનાવવામાં આવી હોવાનું જણાવાયું છે. ફિલ્મને મ્યુઝિકલ થ્રિલર તરીકે તૈયાર કરવામાં આવી છે અને તેની કહાની મુંબઈના સ્લમ વિસ્તારમાં આકાર લે છે.
ફિલ્મનું નિર્માણ અને શૂટિંગ પૂર્ણ થયા બાદ હવે મેકર્સ તેને દર્શકો સુધી પહોંચાડવા માટે ઓટીટી રિલીઝની તૈયારી કરી રહ્યા છે. જોકે, ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે રિલીઝ થશે તેની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.