સ્પેનિશ રોમાન્ટિક ફ્રેન્ચાઇઝ ‘કલ્પેબલ’નું બનશે ભારતીય વર્ઝન, ઈશાન ખટ્ટરનું નામ ચર્ચામાં
યુથ સેન્ટ્રિક રોમાન્ટિક ટ્રાયોલોજીને ભારતીય દર્શકો માટે ત્રણ ભાગમાં રજૂ કરવાની તૈયારી, હિરોઈન અને ડિરેક્ટર અંગે હજુ નિર્ણય નહીં
મુંબઈ, તા.૨૮
સ્પેનિશ યંગ એડલ્ટ રોમાન્સ ફ્રેન્ચાઇઝ ‘કલ્પેબલ’ને હવે ભારતીય દર્શકો માટે નવા અંદાજમાં રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાઇમ વિડિયો આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝનું ભારતીય વર્ઝન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાની ચર્ચા છે. આ ત્રણ ભાગની રોમાન્ટિક સિરીઝમાં મુખ્ય અભિનેતા તરીકે ઈશાન ખટ્ટરનું નામ સૌથી આગળ હોવાનું કહેવાય છે.
ભારતીય વર્ઝનને યુવા દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. જોકે, પ્રોજેક્ટને લઈને હજુ પ્રારંભિક સ્તરે જ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. પ્રોડક્શન હાઉસ, મુખ્ય અભિનેત્રી અને દિગ્દર્શક સહિતના મહત્વના નામ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મૂળ સ્પેનિશ ફ્રેન્ચાઇઝની વાર્તાને ભારતીય વર્ઝનમાં યથાવત રાખવામાં આવશે કે પછી સ્થાનિક દર્શકોની પસંદગી પ્રમાણે તેમાં મોટા ફેરફાર કરવામાં આવશે તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ નથી. જોકે, ભારતીય પાત્રો અને સ્થાનિક સેટિંગ સાથે વાર્તાને નવી રીતે રજૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈશાન ખટ્ટર છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં આવેલી ‘ધ રોયલ્સ’માં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જો ‘કલ્પેબલ’ના ભારતીય વર્ઝન માટે તેના નામ પર મહોર લાગે તો ઈશાન એક મોટી યુથ સેન્ટ્રિક રોમાન્ટિક ટ્રાયોલોજીનો મુખ્ય ચહેરો બની શકે છે.
મૂળ ‘કલ્પેબલ’ ફ્રેન્ચાઇઝની શરૂઆત વર્ષ ૨૦૨૩માં ‘કલ્પા મિયા’ સાથે થઈ હતી. પ્રથમ ભાગ બાદ તેના વધુ બે ભાગ રજૂ કરવામાં આવ્યા હતા. આ ફ્રેન્ચાઇઝ લેખિકા મર્સિડિઝ રોનની બેસ્ટસેલિંગ ‘કલ્પેબલ’ ટ્રાયોલોજી પરથી બનાવવામાં આવી હતી.
હવે આ સફળ સ્પેનિશ ફ્રેન્ચાઇઝના ભારતીય રૂપાંતરને લઈને ચર્ચા તેજ બની છે. જોકે, ઈશાન ખટ્ટરની પસંદગી સહિતની વિગતો અંગે સત્તાવાર જાહેરાત થયા બાદ જ પ્રોજેક્ટની સ્ટારકાસ્ટ અને નિર્માણ અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.


