આપણું સંવિધાન, આપણું સ્વાભિમાન જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય યાત્રા યોજાઈ : ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ

આપણું સંવિધાન, આપણું સ્વાભિમાન જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય યાત્રા યોજાઈ : ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૭
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડિયા વિભાગની યાદી જણાવે છે કે ભારતના લોકશાહી મૂલ્યો, બંધારણીય આદર્શો, નાગરિક અધિકારો અને રાષ્ટ્રના સ્વાભિમાનને ઉજાગર કરવાના હેતુથી ‘સંવિધાન ગૌરવ દિવસ’ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા ના માર્ગદર્શન હેઠળ ગૌરવપૂર્ણ સંવિધાન ગૌરવ દિવસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. “આપણું સંવિધાન, આપણું સ્વાભિમાન”ના ભાવ સાથે યોજાયેલી આ યાત્રામાં ભાજપના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રાનો પ્રારંભ શહીદ પાર્ક, નરસિંહ મહેતા તળાવ ખાતેથી થયો હતો અને ત્યાંથી ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી યાત્રા યોજાઈ હતી. યાત્રાના અંતે ભારતીય બંધારણના શિલ્પી, ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને હારારોપણ કરી ભાવપૂર્વક નમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંધારણના ઘડતરમાં ડો. આંબેડકરજીના અવિસ્મરણીય યોગદાનને સ્મરણ કરીને તેમના વિચારો, સમાનતાના સિદ્ધાંતો, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંવિધાન ગૌરવ દિવસ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ ભારતના દરેક નાગરિકને બંધારણ પ્રત્યેની જવાબદારી, રાષ્ટ્રપ્રેમ અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સ્મરણ કરાવતો દિવસ છે. ભારતીય બંધારણે દેશના દરેક નાગરિકને સમાન અધિકારો, ન્યાય અને સ્વતંત્રતાની મજબૂત આધારશિલા પૂરી પાડી છે.
આ મહાન બંધારણીય વારસાને જાળવવો અને આગામી પેઢી સુધી પહોંચાડવો એ સૌની સામૂહિક જવાબદારી છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર  ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ મહામંત્રી વિનુભાઈ ચાંદેગ્રા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સાગરભાઈ મકવાણા સહિત કોર્પોરેટરઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંવિધાન ગૌરવ દિવસની આ યાત્રાએ બંધારણીય મૂલ્યો પ્રત્યે આદર, રાષ્ટ્રની એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપતાં જૂનાગઢમાં લોકશાહી ગૌરવ અને રાષ્ટ્રીય ચેતનાને વધુ મજબૂત બનાવવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સંવિધાનનું સન્માન, લોકશાહીનું ગૌરવ અને રાષ્ટ્રપ્રતિ સમર્પણ એ જ ભારતની સાચી શક્તિ છે.