જૂનાગઢ સરકારી મહિલા ITI ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો તાલીમ પૂર્ણ કરનાર પ્રતિભાશાળી તાલીમાર્થીઓનું સન્માન કરાયું

જૂનાગઢ સરકારી મહિલા ITI ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો તાલીમ પૂર્ણ કરનાર પ્રતિભાશાળી તાલીમાર્થીઓનું સન્માન કરાયું

જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢ સરકારી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI ) ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સંસ્થામાં વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ પૂર્ણ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગત વર્ષ દરમિયાન તાલીમ પૂર્ણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તેમજ મેડલ એનાયત કરી તેમની સિદ્ધિઓને બિરદાવવાનો હતો. આ ઉપરાંત તાલીમ પૂર્ણ કર્યા બાદ રોજગારી મેળવી સ્વરોજગાર તરફ આગળ વધેલી ભૂતપૂર્વ તાલીમાર્થીઓને પોતાના અનુભવો અને સફળતાની ગાથા રજૂ કરવા આમંત્રિત કરવામાં આવી હતી, જેથી અન્ય તાલીમાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે. કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં કાર્યરત પ્લેસમેન્ટ સેલ દ્વારા રોજગાર ભરતી મેળા, એપ્રેન્ટિસશિપ યોજના તથા ઉચ્ચ કૌશલ્ય સંબંધિત વિવિધ તકો અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. સમારોહમાં ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને સંસ્થામાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ તથા તાલીમ બાદના પરિણામો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ એડિશનલ ડેપ્યુટી કલેક્ટર, અમદાવાદ તથા ઇસરોના ભૂતપૂર્વ કર્મચારી અને શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી જ્યંતિભાઈ કે.ઠેસિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ મહિલા ITIના આચાર્ય કુ.જી. કે. બોરખરીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર આર. બી. સતાસિયા તથા સંસ્થાના તમામ સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહિલા ITI ખાતે રોજગારલક્ષી પાંચ પ્રકારના કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઇન ટેક્નોલોજી, કોસ્મેટોલોજી, સુઇગ ટેક્નોલોજી અને ફિઝિયોથેરાપી ટેક્નિશિયનના કોર્સ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત કોર્ષ દરમિયાન તાલીમાર્થીઓને સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ સહાય, સંસ્થાકીય સ્ટાઇપેન્ડ સહાય, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, દિવ્યાંગ મુસાફરી ભથ્થું યોજના, ગણવેશ સહાય યોજના અને બસપાસ સહાય જેવી વિવિધ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ આપી તેમને આર્ત્મનિભર અને રોજગારલક્ષી બનાવવા માટે જૂનાગઢ મહિલા ITI ખાતે વિવિધ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.