સુરતમાં અકાય તથા અરિહંત ઈન્ડસ્ટ્રિઝ પર આઈટી વિભાગના દરોડા : ઉદ્યોગ જગતમાં ખળભળાટ
(બ્યુરો) સુરત તા.૨૭
સુરત શહેરના ઉદ્યોગ જગતમાં ફરી એકવાર આવકવેરા વિભાગે તવાઈ બોલાતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈ અને સુરત ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત ‘અકાય ઈન્ડસ્ટ્રીઝ’ તેમજ ‘શ્રી અરિહંત ડાયકેમ‘ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં બંને શહેરોના ૮૦થી વધુ અધિકારીઓનો કાફલો જોડાયો છે, જેના કારણે કરચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ દરોડા અંતર્ગત શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાન, મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ તેમજ બંને કંપનીઓના અન્ય ધંધાકીય સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સવારે ૯:૩૦ વાગ્યા સુધીમાં સામે આવેલી વિગતો મુજબ, હજુ પણ અન્ય કેટલાક સંબંધિત સ્થળોએ ઈનકમ ટેક્સના અધિકારીઓ પહોંચીને દસ્તાવેજો અને હિસાબી વ્યવહારોની તપાસ કરી રહ્યા છે, જેમાં મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.


