કેશોદ - બાલાગામ રોડ પર કારે પલ્ટી મારતા ભડકે બળી : ત્રણનાં કરૂણ મોત : એક યુવતિનો બચાવ
બર્થ-ડે મનાવવા જતી વખતે ભયાનક અકસ્માત સર્જાતા યુવતિ સહિત ત્રણ મિત્રો કાળનો કોળીયો બન્યા : અરેરાટી
જૂનાગઢ, તા. ૨૩
જૂનાગઢથી માધવપુર જઈ રહેલા ચાર મિત્રોને કેશોદ - બાલાગામ રોડ પર ખમીદાણા ધાર નજીક ગઈકાલે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત નડયો હતો. પુરઝડપે દોડતી સ્વિફટ કાર વળાંકમાં પથ્થર સાથે અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી અને ત્યારબાદ તેમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી અને કારમાં સવાર બે યુવક અને એક યુવતિ જીવતા સળગી ગયા હતા. જૂનાગઢની નંદીની પોપટનાં જન્મ દિવસની ઉજવણી માટે ચાર મિત્રો માધવપુર જઈ રહયા હતા ત્યારે આ કરૂણાંતિકા સર્જાઈ હતી જેને લઈને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યપી ગઈ છે. કેશોદ-બાલાગામ રોડ પર ખમીદાણા ગામ નજીક વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મિત્રોનાં કરૂણ મોત નીપજ્યાં હતા.
જૂનાગઢથી માધવપુર તરફ જઈ રહેલી લાલ રંગની સ્વિફ્ટ કાર વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી ખાઈ રોડની બાજુમાં આવેલા પથ્થર સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગતાં અંદર સવાર એક યુવતી અને બે યુવકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે કારમાંથી બહાર ફંગોળાયેલી યુવતી ક્રિષ્ના ચુડાસમાનો બચાવ થયો હતો. તેને સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, ૨૨ નવેમ્બરની વહેલી સવારે આશરે પાંચ વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. કારમાં બે યુવતીઓ અને બે યુવકો સહિત કુલ ચાર મિત્રો સવાર હતા. વળાંક પર કાર પલટી ખાઈ પથ્થર સાથે અથડાતાં આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ દુર્ઘટનામાં નંદીની પોપટ, ડેનિસ દિવરાણીયા અને ઝલક મશરૂના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ, કારમાં સવાર ક્રિષ્ના ચુડાસમા અકસ્માત દરમિયાન આગળની સીટ પર બેઠી હતી. કારનો કાચ તૂટતાં તે બહાર ફંગોળાઈ નજીકના ખેતરમાં પડી ગઈ હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ક્રિષ્ના જૂનાગઢની રહેવાસી છે અને સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર તથા મોડેલ તરીકે ઓળખ ધરાવે છે.
મળતી માહિતી મુજબ, મૃતક નંદીની પોપટનો ગઈકાલ તા.૨૨ નવેમ્બરે જન્મદિવસ હતો. ચારેય મિત્રો પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વધુ ઉજવણી માટે માધવપુર જઈ રહ્યા હતા. આ દરમ્યાન ખમીદાણા ગામ નજીક અકસ્માત સર્જાતાં ખુશીનો પ્રસંગ દુ:ખદ ઘટનામાં ફેરવાઈ ગયો હતો.
કેશોદ પોલીસ મથકના પીઆઈ એન.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે કારમાં બે યુવતીઓ અને બે યુવકો સવાર હતા, જેમાંથી બે યુવકો અને એક યુવતીનાં મોત થયાં છે. અકસ્માતમાં બચી ગયેલી ક્રિષ્ના પાસેથી પ્રાથમિક માહિતી મેળવવામાં આવી રહી છે. ગંભીર આઘાતમાં સરી પડેલી ક્રિષ્નાની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


