તિરૂપતિ બાલાજી મંદિરમાં ૧૨૧ કિલો સોનાના આભૂષણો અર્પણ
તિરૂપતિ,તા.૨૩:
છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં ભલે થોડો ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ સામાન્ય માનવી માટે સોનું ખરીદવું હજુ પણ પહોંચની બહાર છે. જોકે, જ્યારે વાત અતૂટ શ્રદ્ધા અને ભક્તિની આવે છે, ત્યારે દરેક ભૌતિક માપદંડો તૂટી જતા હોય છે. આંધ્ર પ્રદેશના વિશ્વવિખ્યાત તિરૂપતિ બાલાજી મંદિરને ૧૨૧ કિલોગ્રામ સુવર્ણ આભૂષણો ચઢાવામાં મળવાની ઘટના કંઈક આવી જ અનન્ય ભક્તિનું ઉદાહરણ રજૂ કરે છે.
ભારતના આ પવિત્ર યાત્રાધામને ૧૨૧ કિલોગ્રામ સોનાના ઘરેણાં ભેટ સ્વરૂપે મળવા જઈ રહ્યા છે, જેને મંદિરના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વ્યક્તિગત ચઢાવો માનવામાં આવી રહ્યો છે. આ બેશકીમતી આભૂષણોની અંદાજિત કિમત ૧૫૦ થી ૧૬૦ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. જોકે, આ વિશાળ સુવર્ણ દાન કોણ કરી રહ્યું છે, તે અંગેની કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, આંધ્ર પ્રદેશના તિરૂપતિ જિલ્લામાં બિરાજમાન ભગવાન વેંકટેશ્વરના પવિત્ર મંદિર તિરુમલા ખાતે આ મહિનાના અંતમાં એક અજ્ઞાત ભક્ત દ્વારા ૧૨૧ કિલોગ્રામ સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવનાર છે.


