નોકરી, કાર, એસી હોવા છતાં દેશના ૧૩% લોકો મફતનું અનાજ મેળવે છે
નવી દિલ્હી,તા.૨૩:
કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે સરકાર તરફથી મફત અનાજ મેળવનારા લગભગ ૧૩ ટકા લોકો આ યોજના માટે અયોગ્ય છે. આમાં એવા લોકો સામેલ છે જેઓ પાકા મકાનો, કાર અને એર કંડિશ્નર ધરાવે છે.મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, ૨૦૧૩ હેઠળ મફત અનાજ મેળવનારા ૧૩.૨ ટકા લોકો આ યોજના માટે અયોગ્ય છે. આ યોજના હાલમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) નામથી ચલાવવામાં આવી રહી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણા પરિવારો રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા નથી. આમાં ત્રણ કે તેથી વધુ રૂમ, પાકા મકાનો, કાર અને એર કંડિશનર ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે. વધુમાં, જે પરિવારોના સભ્યો સરકારી નોકરીમાં છે તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
આ અભ્યાસ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ ૫૧,૩૦૩ લાભાર્થી પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા.


