ભાણવડ નજીકથી મોટર કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
દારૂની ૨૯૯ બોટલ સહિત રૂા. ૬.૧૯ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા. ૧૮
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જાેશીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઈ બેરા તેમજ મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ભાણવડ તાલુકાના રાણપરડા ગામની સીમમાં રાત્રિના સમયે પસાર થઈ રહેલી જી.જે. ૨૫ બીએ ૮૭૮૬ નંબરની એક એક્સ.યુ.વી. મોટરકારને અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂા. ૨,૯૯,૦૦૦ ની કિંમતની ૨૯૯ વિદેશી દારૂની બોટલ તથા રૂા.ત્રણ લાખની કિંમતની એક્સ.યુ.વી. મોટરકાર અને રૂા. ૨૦,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂા. ૬,૧૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે રાણપર ગામના રહીશ રબારી જગા દાના શામળા અને યુવરાજસિંહ રૂપસંગ સોલંકી નામના બે શખ્સોને દબોચી લીધા હતા.
આ પ્રકરણમાં જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકાના વાંસઝાડિયા ગામના પરબત ઉર્ફે પબા મેરા મોરી અને કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામના દિગ્વિજયસિંહ ઉર્ફે લંગડો આલુભા જાડેજા નામના બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું જાહેર થયું છે. જે અંગે એલસીબી પોલીસની ફરિયાદના આધારે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.


