ફિટનેસ માટે રકુલ પ્રીત સિંહે આ પાંચ વાનગીઓથી બનાવી દૂરી

જલેબીથી લઈને ચીઝકેક સુધીની વાનગીઓ ખાવાનું ટાળે છે અભિનેત્રી; ચાર દિવસ જીમમાં કસરત કર્યા બાદ પણ આટલી કેલરી બર્ન કરવી મુશ્કેલ હોવાનું કહ્યું

ફિટનેસ માટે રકુલ પ્રીત સિંહે આ પાંચ વાનગીઓથી બનાવી દૂરી

મુંબઈ તા.18
ફિટનેસ અને મનપસંદ ભોજન વચ્ચે સંતુલન જાળવવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે. બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પોતાની શિસ્તબદ્ધ ફિટનેસ દિનચર્યા અને ખાનપાન અંગેની સજાગતા માટે જાણીતી છે. તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન તેણે એવી પાંચ લોકપ્રિય વાનગીઓ વિશે ખુલાસો કર્યો હતો, જેને બનાવવાની રીત જોયા બાદ તેણે ખાવાનું ટાળવાનું શરૂ કર્યું છે. રકુલે જણાવ્યું હતું કે તે લગભગ દરેક વાનગીનો સ્વાદ ચાખવા તૈયાર રહે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેને દરેક વાનગી પસંદ જ હોય. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે તેની એક આદત છે કે તે કોઈપણ વાનગીની ઓછામાં ઓછી એક બાઇટ તો જરૂર લે છે.
રકુલની નાપસંદ વાનગીઓમાં સૌથી પહેલાં જલેબીનો સમાવેશ થાય છે. લોકપ્રિય ભારતીય મીઠાઈ હોવા છતાં તેને જલેબી ખાસ ભાવતી નથી. આ અંગે તેણે કહ્યું હતું કે, “મને જલેબી સમજાતી નથી, ભલે તે મારી માતાને ખૂબ ભાવતી હોય.” દિલ્હીમાં ઉછરેલી રકુલને છોલે ભટૂરે પણ ખાસ પસંદ નથી. જોકે, તે છોલે ખાય છે, પરંતુ તેની સાથે પીરસવામાં આવતા તળેલા ભટૂરા ખાવાનું ટાળે છે.
આ ઉપરાંત પકોડા અને બ્રેડ પકોડા પણ તેની પસંદગીની વાનગીઓમાં સામેલ નથી. ખાસ કરીને વરસાદની મોસમમાં ચા સાથે ખવાતા આ તળેલા નાસ્તાથી તે દૂર રહેવાનું પસંદ કરે છે. રકુલે સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય પકોડા હોય કે બ્રેડ પકોડા, તેને તળેલી વાનગીઓ ખાવાનો ખાસ શોખ નથી. આ અંગે મજાક કરતાં તેણે કહ્યું હતું કે, “ચાર દિવસ જીમમાં કસરત કરું તો પણ આટલી કેલરી બર્ન ન કરી શકું.” આ જ કારણસર તે આવી વાનગીઓ ખાવાનું ટાળે છે.
ચીઝકેક પણ રકુલની નાપસંદ વાનગીઓમાં સામેલ છે. એક વખત ચીઝકેક બનતી જોઈ લીધા બાદ તેણે આ ડેઝર્ટ ન ખાવાનો નિર્ણય કર્યો હતો. આ અનુભવ યાદ કરતાં તેણે જણાવ્યું હતું કે ચીઝકેક બનાવવાની પ્રક્રિયા જોયા પછી તેણે ફરી ક્યારેય તે ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમ, સ્વાદની સાથે ફિટનેસ અને ખાનપાન અંગેની સજાગતાને પ્રાથમિકતા આપતી રકુલ પોતાની પસંદગીની વાનગીઓમાં પણ ખાસ ધ્યાન રાખે છે.