દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર દિવ્ય રોશનીના અલૌકિક શણગારથી દિપી ઉઠયું
(પંકજ ઝીબા દ્વારા)
કાગવડ, રાજકોટ તા.૭
દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે કાગવડ સ્થિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભવ્ય અને આકર્ષક લાઈટિંગ શણગાર કરવામાં આવ્યો છે. મા ખોડલના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને નયનરમ્ય રોશનીથી ઝગમગી ઉઠયું છે. મંદિરના નિજ મંદિર, વિશાળ શિખર અને પ્રવેશદ્વારને ઝગમગતી મનોહર એલ.ઈ.ડી. (LED) અને ગોલ્ડન લાઈટોથી સજાવવામાં આવ્યા છે.
રાત્રિના સમયે આકાશમાંથી અને દુરથી મંદિરનો આ નજારો અત્યંત ભવ્ય અને અલૌકિક પ્રતીત થઈ રહ્યો છે. મંદિર પરિસરના મુખ્ય માર્ગો, વોકવે, બગીચાઓ સહિતના વિસ્તાર આકર્ષક મલ્ટી-કલર લાઈટિંગથી રોશન કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં બે વિશાળ અને આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ માટે કલા અને આસ્થાનો અનોખો અનુભવ બનશે. આ ઉપરાંત તહેવારોના દિવસો દરમિયાન મા ખોડલને દરરોજ વિશિષ્ટ અને અવનવા શણગાર કરવામાં આવશે. દિવાળી તથા નૂતન વર્ષના તહેવારો દરમિયાન દર્શનાર્થીઓના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સુચારૂ દર્શન વ્યવસ્થા, ર્પાકિંગ, સુરક્ષા અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડે છે. જેથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા અને સ્વાગત માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરરોજ ૩૦૦થી વધુ સ્વયંસેવકો પણ દર્શનાર્થીઓની સુવિધા જાળવવા માટે ખડેપગે રહેશે. આ ઉપરાંત અલગ અલગ ૪ વિશાળ ર્પાકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને દિવાળી અને નૂતન વર્ષની હાદિર્ક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
દર્શન અને આરતીનો સમય
શ્રી ખોડલધામ મંદિર પરિસરના પ્રવેશદ્વાર સવારે ૫.૩૦ કલાકે ખોલવામાં આવે છે. સવારે ૬ વાગ્યાથી દર્શન ખુલશે. ત્યારબાદ સવારે ૭ કલાકે આરતી થશે. સાંજે ૭ કલાકે માતાજીની આરતી કરવામાં આવશે. માતાજીના દર્શન દિવસ દરમિયાન ખુલ્લા રહેશે. રાત્રે ૯ કલાકે માતાજીના દર્શન બંધ થશે અને મંદિર કેમ્પસ ૯:૩૦ કલાકે બંધ કરવામાં આવશે.


