જૂનાગઢના ચકચારી દુષ્કર્મ કેસમાં ધર્મપરિવર્તન કરાવવાનો ગુનો દાખલ : પિતા-પુત્ર જેલ હવાલે

ગંભીર કેસની તટસ્થ તપાસ માટે SITની રચના- પાંચ અધિકારીઓ બનાવની તપાસ કરશે

જૂનાગઢના ચકચારી દુષ્કર્મ કેસમાં ધર્મપરિવર્તન કરાવવાનો ગુનો દાખલ : પિતા-પુત્ર જેલ હવાલે

જુનાગઢ તા.૭
જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી અત્યંત ચકચારી ઘટનામાં પોલીસે કાયદાનો સકંજો વધુ કડક બનાવ્યો છે. શહેરના સંઘાડીયા બજાર, માંડવી ચોક ખાતે આવેલી મૌનીશાપીરની દરગાહ ખાતે આશરે ૩૦ વર્ષીય યુવતી નિયમિત દર્શન અર્થે જતી હતી. આ દરમ્યાન દરગાહના મુજાવર જાવીદ કરીમભાઈ શેખ સાથે તેનો પારિવારિક સંપર્ક થયો હતો. મુંજાવરે પોતાના પુત્ર વાહીદ સાથે યુવતીના લગ્ન કરાવી આપવાની વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો દરમ્યાન મુંજાવરનાં પુત્રએ યુવતીની મરજી વિરૂધ્ધ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ યુવતીના અંગત વીડિયો તેમજ ફોટોગ્રાફ્સ ઉતારી લીધા હતા અને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજાર્યો હતો દરમ્યાન આ બનાવ અંગે ભોગ બનનાર ૬યુવતી તા.૨૮ ઓક્ટોબરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી વાહીદ તેમજ તેના પિતા અને દરગાહના મુજાવર જાવીદ શેખ એમ બંનેની ધરપકડ કરી લીધી હતી. કોર્ટે બંને આરોપીઓને જેલહવાલે મોકલી આપ્યા છે. પોલીસે ભોગ બનનાર યુવતીનું નામદાર મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી/બીએનએસએસ અન્વયે કાયદેસરનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન પીડિતાના રહેઠાણેથી નમાઝની ચોપડી, દરગાહના ફોટોગ્રાફ્સ અને બુરખો મળી આવ્યા હતા. આ ઉપરાંત યુવતીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે જુદા-જુદા પ્રલોભનો આપતી મહત્વપૂર્ણ ઓડિયો ક્લિપ્સ પણ પોલીસના હાથ લાગી હતી.દરમ્યાન આ બનાવ અંગે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન યુવતી પર ધર્મ પરિવર્તન માટે ભારે દબાણ અને પ્રલોભન આપવામાં આવ્યું હોવાના નક્કર પુરાવા મળ્યા હતા. જેને ધ્યાને રાખીને પોલીસે નામદાર કોર્ટમાં ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ‘ હેઠળ કલમોનો ઉમેરો કરવા માટે સ્પેશિયલ રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૩ તથા સુધારા અધિનિયમ ૨૦૨૧ની કલમ ૪(૧) તથા ૪(૨) મુજબ ગુનામાં કડક કલમોનો ઉમેરો કરવાનો આદેશ આપ્યો છે.
જૂનાગઢ રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાની સીધી સૂચનાથી આ ગંભીર કેસની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
આ પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમમાં: જૂનાગઢ શહેર ડિવિઝન ડીવાયએસપી, એ ડિવિઝન પી.આઈ. સી.વાય.એન. સોલંકી, એ ડિવિઝન પી.એસ.આઈ, એલ.સી.બી. ના પી.એસ.આઈ. ડી.કે. પટેલ તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જે. માઢકનો સમાવેશ થાય છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ પીડિતાને ઉના નજીક મીરા દાતારની દરગાહ, ગીર-સોમનાથના તાલાલા સ્થિત જાંબુર અને રાજસ્થાનના અજમેર શરીફ સહિતના સ્થળોએ લઈ ગયા હતા. આ તમામ સ્થળોએ પીડિતા સાથે શું બન્યું હતું તે અંગે એસઆઈટી દ્વારા વધુ કડીઓ મેળવવા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.