તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના ઘર પર ગત મોડી રાત્રે હુમલો
(એજન્સી) કોલકાતા તા.૦૭
તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ભાજપ સમર્થકો પર ગત મોડી રાત્રે લગભગ ૨ વાગ્યે તેમના ઘરે હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ઠ પર વીડિયો શેર કરીને દાવો કર્યો કે તેમના જન્મદિવસે કેટલાક લોકો હથિયારો લઈને ઘરમાં ઘૂસી આવ્યા અને પથ્થરો ફેંક્યા હતા. તેમણે આ ઘટનાને જાનથી મારી નાખવાનું કાવતરું ગણાવીને આરોપીઓની ધરપકડની માગ કરી છે. ઘટના બાદ અભિષેક સમર્થકો સાથે કોલકાતાના પોતાના ઘરની બહાર ધરણા પર બેસી ગયા. આ દરમિયાન ભાજપ અને તુણમુલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ, જેમાં મહિલાઓ સહિત અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસે સ્થળે પહોંચીને બેરિકેડિંગ કર્યું અને વધારાના દળો તહેનાત કર્યા છે. બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ છેલ્લા પાંચ મહિનામાં અભિષેક પર હુમલાની આ ત્રીજી ઘટના છે. આ પહેલાં ગત તા.૩૦ મેના રોજ સોનારપુરમાં અભિષેક પર ઈંડાં અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.


