અદાણી પોર્ટ્સની યુરોપમાં ડીલથી મોતીલાલ ઓસ્વાલ બુલિશ, રોકાણકારો માટે રૂા.૨,૧૭૦ નો નવો ટાર્ગેટ પ્રાઈસ
અમદાવાદ, તા.૭
યુરોપના બીજા ક્રમની સૌથી મોટી લિક્વિડ સ્ટોરેજ ઓપરેટર કંપની ‘Evos BV‘નું સંપાદન કરીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડનારી કંપની અદાણી પોર્ટ્સ (APSEZ)ના શેર પર દેશના દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે રૂા.૨,૧૭૦નો નવો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજ હાઉસે ‘Buy‘ (ખરીદવા)ની સલાહ જાળવી રાખતા જણાવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય સોદાથી કંપનીના લાંબા ગાળાના બિઝનેસ મોડલને મજબૂતી મળશે.
અદાણી પોર્ટ્સે આ સોદો €૨.૫૬ બિલિયન (આશરે ઇં૨.૮૮ બિલિયન) ના એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન પર કર્યો છે, જે સંપૂર્ણપણે કેશ-ડીલ (All-Cash Transaction) છે અને તેને Igneo Infrastructure Partners પાસેથી હસ્તગત કરવામાં આવશે. આ સંપાદન કેલેન્ડર વર્ષ ૨૦૨૫ ના EV/EBITDAના ૧૧.૭ ગણા (11.7X) આકર્ષક વેલ્યુએશન પર કરવામાં આવ્યું છે. આ સોદાના કારણે અદાણી પોર્ટ્સનું વૈશ્વિક નેટવર્ક ૧૦ દેશોમાં ૨૮ પોર્ટ્સ અને ટર્મિનલ્સ સુધી વિસ્તરી જશે, જેમાં નેધરલેન્ડ્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ અને માલ્ટાના ૭ બંદરો પર આવેલા ૮ વ્યૂહાત્મક ટર્મિનલ્સ અને તેની ૬.૩ મિલિયન ક્યુબિક મીટરની વિશાળ સ્ટોરેજ ક્ષમતા સામેલ છે.
મોતીલાલ ઓસ્વાલ અને જેફરીઝના મતે Evosનો સોદો અદાણી પોર્ટ્સ માટે ગેમ-ચેન્જર છે. Evosનો બિઝનેસ ‘ટેક-ઓર-પે‘ (Take-or-Pay) કરારથી સુરક્ષિત છે, જે બજારની વધઘટ વચ્ચે પણ કંપનીને ફિક્સ્ડ પેમેન્ટ અને મજબૂત રોકડ પ્રવાહની ગેરંટી આપે છે. આ ઉપરાંત, કંપની ૫૬% જેટલું ઊંચું ઓપરેટિંગ માર્જિન (EBITDA) ધરાવે છે જે પ્રથમ દિવસથી જ અદાણી પોર્ટ્સની પ્રતિ શેર કમાણી (EPS)માં વધારો કરશે અને નાણાકીય વર્ષ ૨૦૩૦ સુધીમાં રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ (ROCE)ને બે આંકડામાં લઈ જશે. અદાણી પોર્ટ્સે નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ (FY31) સુધીમાં ૧ બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીનો અભિગમ બંદરોની ક્ષમતા, કાર્યક્ષમ સંચાલન અને સંકલિત સેવાઓને જાેડીને વૈશ્વિક વેપારને વધુ સુગમ બનાવવાનો છે. આ લક્ષ્ય કંપનીનું વિઝન અને આગામી વિકાસની દિશા દર્શાવે છે.
અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ) ભારતની સૌથી મોટી બંદર સંચાલક કંપની છે. દેશના પશ્ચિમ અને પૂર્વી કિનારા પર આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ પોર્ટ્સ ચલાવવાની સાથે કંપની લોજિસ્ટિક્સ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને વૈશ્વિક ટર્મિનલ ઓપરેશન્સમાં પણ અગ્રેસર સ્થાન ધરાવે છે.


