ઉના શહેરમાં નવા સર્કલ અને હાઈમાસ્ટ ટાવર મુદ્દે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ઉઠાવ્યા સલામતીના સવાલ, રીજીયોનલ કમિશ્નરને કરી રજૂઆત

ઉના શહેરમાં નવા સર્કલ અને હાઈમાસ્ટ ટાવર મુદ્દે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ઉઠાવ્યા સલામતીના સવાલ, રીજીયોનલ કમિશ્નરને કરી રજૂઆત

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.14
ઉના શહેરમાં ટાવર ચોક અને ત્રિકોણ બાગ નજીક બની રહેલા નવા સર્કલ અને હાઈમાસ્ટ ટાવરના નિર્માણને લઈને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રીજીયોનલ કમિશ્નર, નગરપાલિકાઓ(ભાવનગર)ને લેખિત રજૂઆત કરીને સમગ્ર કામગીરીનું સ્વતંત્ર ટેકનિકલ નિરીક્ષણ કરાવવાની અને જાહેર હિતમાં યોગ્ય ર્નિણય લેવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે ટાવર ચોક ખાતે નવા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ તેની નજીક હાઈમાસ્ટ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીને કારણે રાહદારીઓ અને નાના-મોટા વાહનચાલકો માટે ભવિષ્યમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા તેમજ અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે ત્રિકોણ બાગ પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક પણ નવું સર્કલ અને હાઈમાસ્ટ ટાવર બનાવવામાં આવી રહ્યું છે. આ સ્થળેથી ગીરગઢડા તરફ જતાં બસ, ટ્રક સહિતના ભારે વાહનોને વળાંક લેવામાં મુશ્કેલી પડી શકે છે, જેના કારણે ટ્રાફિક જામ અને ગંભીર અકસ્માતની સંભાવના રહેલી છે. પૂર્વ ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે બંને સર્કલનું નિર્માણ યોગ્ય ટ્રાફિક ડિઝાઇન, માર્ગની પહોળાઈ અને વાહનવ્યવહારના અભ્યાસને ધ્યાનમાં રાખ્યા વગર કરવામાં આવી રહ્યું હોય તેવી પ્રાથમિક દ્રષ્ટિએ સ્થિતિ જણાય છે. ઉપરાંત સર્કલની બાજુમાં પૂરતી જગ્યા હોવા છતાં રોડની મધ્યમાં હાઈમાસ્ટ ટાવર ઉભો કરવાની કામગીરીને પણ તેમણે અયોગ્ય ગણાવી છે. તેમણે બંને સ્થળે ચાલી રહેલા સર્કલ અને હાઈમાસ્ટ ટાવરના કામનું સ્વતંત્ર ટેકનિકલ નિરીક્ષણ કરાવવા, ટ્રાફિક વિભાગ અને નિષ્ણાતોની સલાહ મુજબ ડિઝાઇનની સમીક્ષા કરવા તેમજ ભારે વાહનોની અવરજવર, રાહદારીઓની સુરક્ષા અને ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો કરવાની માંગ કરી છે. પુંજાભાઈ વંશે રજૂઆતના અંતે જણાવ્યું છે કે યોગ્ય આયોજન વિના કરવામાં આવતી કામગીરીના કારણે ભવિષ્યમાં જાનહાનિ કે અકસ્માત સર્જાવાનો ભય રહેલો હોવાથી જાહેર હિત અને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.