ગીર સોમનાથ જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી : જગતનાં તાતની આકાશભણી મીટ
(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ૧૦
રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં અપુરતા વરસાદને કારણે ખેત ઉત્પાદનો માટે ગંભીર સ્થિતિ સર્જાણી છે. ગીર સોમનાથ જીલ્લામાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. જીલ્લામાં ૧.૪૭ લાખ હેકટરમાં ખરીદ વાવેતર થયુ છે જેમાં મગફળી, સોયાબીન અને કપાસ નિર્ણાયક અવસ્થામાં છે. ૯૧.૪૭૯ હેકટરમાં મગફળીનું વાવેતર વરસાદની રાહ જાેવે છે. જયારે ર૬૭ર૭ હેકટરમાં સોયાબીન દાણા બનાવવાની અવસ્થામાં છે. ૧ર૪૯૧ હેકટરમાં કપાસ ફુલ ચાપકાની અવસ્થામાં છે. વરસાદ ખેંચાતા પાકનાં ઉત્પાદનને ગંભીર અસર થવાની ભિતી સેવાઈ રહી છે. આગામી ૮ થી ૧૦ દિવસમાં વરસાદ થઈ જાય તો નુકશાનીમાંથી બચી શકાશે. બીજી તરફ પાક બચાવવા માટે ખેડૂતો ભુગર્ભ જળથી પિયત આપવા મજબુર બન્યા છે. ખેતી વિભાગની ખેડૂતોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે. વરસાદ જાે ખેંચાય તો ટપક અને ફુવારા સિંચાઈનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ભેજ જાળવવા મલ્ટીંગ અને નીંધણ નિયંત્રણની ખેતી વિભાગની સલાહ છે. ખેતરમાં રહેલા ઉત્પાદનોને હાલ પાણીની ખાસ જરૂર છે ત્યાર ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. અને સારો વરસાદ થાય તેવી અપેક્ષા રાખી રહયા છે.


