ગુજરાત પોલીસના 4 અધિકારીઓને ઉચ્ચ પગારધોરણનો મળ્યો લાભ
ગૃહ વિભાગના આદેશથી લેવલ - 10થી લેવલ-11માં અપગ્રેડ : જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટર સોરઠના પોલીસ અધિક્ષક એચ. પી. દોશી સહિત ચાર અધિકારીઓને લાભ
ગાંધીનગર તા.4
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્ય પોલીસ સેવાના ચાર વરિષ્ઠ અધિકારીઓને મહત્વપૂર્ણ આર્થિક લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર ચાર અધિકારીઓને ઇન-સીટુ પદ્ધતિ હેઠળ ઉચ્ચ કક્ષાના પગારધોરણમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.
આ નિર્ણયથી અધિકારીઓને પોલીસ અધિકારી વર્ગ-1ના ઉચ્ચ ગ્રેડના પે-મેટ્રિક્સ લેવલ-11નો લાભ મળશે. જોકે તેમની વર્તમાન પોસ્ટિંગ અને ફરજોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેઓ હાલ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, ત્યાં જ યથાવત કામગીરી ચાલુ રાખશે.
ઉચ્ચ પગારધોરણનો લાભ મેળવનાર અધિકારીઓમાં મહેસાણાના રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ પી.વી. રાવલ, પંચમહાલના મુખ્ય મથકના પોલીસ અધિક્ષક બી.એલ. દેસાઈ, જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર સોરઠના પોલીસ અધિક્ષક એચ.પી. દોશી તેમજ અમદાવાદ એસીબીના નાયબ નિયામક જી.વી. પઢેરિયાનો સમાવેશ થાય છે.
સરકારના આ નિર્ણય બાદ અધિકારીઓને વધારેલા પગારધોરણ સાથે નિયમ મુજબ ભાવિ ઇન્ક્રિમેન્ટનો પણ લાભ મળશે. લાંબા સમયથી સેવા આપતા અધિકારીઓ માટે આ નિર્ણયને પ્રોત્સાહક અને સન્માનજનક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.


