પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નરસંગ ટેકરી સહિત જુદા-જુદા વિસ્તારમાંથી ૪૦ મણ ઘાસચારો જપ્ત : ગૌશાળા ખાતે મોકલાયો

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નરસંગ ટેકરી સહિત જુદા-જુદા વિસ્તારમાંથી ૪૦ મણ ઘાસચારો જપ્ત : ગૌશાળા ખાતે મોકલાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૪
પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે રાખવામાં આવતી સામગ્રી સામે કાર્યવાહી કરવા મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને કમિશનરશ્રી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ સેનિટેશન વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી. સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન નરસંગ ટેકરી વિસ્તાર, તેમજ ચમ બંગલા પાસે અને ઓસીએનીક હોટેલ પાસેના વિસ્તારમાં ગેરવ્યવસ્થિત રીતે સંગ્રહ કરીને રાખવામાં આવેલ અંદાજે ૪૦ મણ જેટલો ઘાસચારો મળ્યો હતો. જાહેર જગ્યાનો ગેરઉપયોગ થતો હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા આ ઘાસચારો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરાયેલો ઘાસચારો વ્યર્થ ન જાય તેમજ પશુઓના ઉપયોગમાં આવે તે હેતુથી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની સેનિટેશન ટીમે સ્થળ પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ કાર્યવાહી અમલમાં મૂકી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને જાહેર સ્થળોના સંરક્ષણ માટે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. શહેરના નાગરિકોને પણ જાહેર જગ્યાઓનો યોગ્ય ઉપયોગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.