મનતું શંકર, ભજીલે...મનતું શંકર ભજીલે; જૂનાગઢ શહેરમાં આવેલા શિવ મંદિરોમાં હર..હર.. મહાદેવનો જયઘોષ ગુંજી ઉઠયો
વહેલી સવારથી જ શિવાલયોમાં, દુધાભિષેક, જલાભિષેક, બીલ્લીપત્રની પૂજા, રૂદ્રાભિષેકનાં કાર્યક્રમ : ભાવિકોની ભારે ભીડ
જૂનાગઢ તા. ૧૭
શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોય ત્યારે શિવ મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યો યોજાયા છે. શિવજીને વિશેષ પૂજા, શણગાર કરવામાં આવ્યો છે અને ભોળાનાથના દરબારમાં શિશ નમાવવા ભાવિકો, શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. ગત તા.૧૩ ઓગષ્ટનાં રોજ શ્રાવણ માસનો પ્રારંભ થતા જ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવેલા ભગવાન ભોળાનાથનાં દર્શન કરવા અને દેવાધીદેવને પ્રસન્ન કરવા ભાવિકો, શ્રધ્ધાળુઓ શિવ મંદિરોમાં ઉમટી પડયા છે. જૂનાગઢ શહેરમાં આવેલા ભગવાન ભોળાનાથનાં ધામ શિવાલયોમાં ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. પવિત્ર શ્રાવણ માસ અને પ્રથમ સોમવારનાં પાવનકારી દિવસે દરેક શિવાલયોને શણગાર કરાયો છે. ભગવાન દેવાધીદેવ મહાદેવનાં દર્શને ભકતો ઉમટી પડયા છે. શિવ મંદિરો લાઈટ ડેકોરેશનથી ઝગમગાવવામાં આવેલ છે. ભગવાન શિવજીને પ્રિય એવા બિલ્લીપત્રની પૂજા કરવામાં આવી રહી છે. દુભાભિષેક, જલાભિષેક, રૂદ્રાભિષેક કરવામાં આવી રહેલ છે. શિવ મંદિરોમાં ભકતોની લાંબી કતારો જાેવા મળે છે.
‘કોઈ ચડાવે બિલ્લીપત્ર, કોઈ ચડાવે ભભુત, મન તું શંકર ભજી ભજીલે, છોડી દે કપટ, ભોળાનાથને ભજીલે મનતુ શંકર ભજીલે.’ આજે સોમવારનાં દિવસે જૂનાગઢ શહેરમાં આવેલા શિવાલયોમાં ભકતો ઉમટી પડયા છે. ભવનાથ તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવના મંદિરે પણ ભાવિકોનો પ્રવાહ સતત રહયો છે. આજે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવેલા શિવાલયોમાં ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા સાથે શિવાલયો હર-હર મહાદેવ હરનાં નાદથી ગુંજી ઉઠયા છે અને ભાવિકોએ દર્શન કરી ધન્ય બન્યા હતા.


