લેખીત ભાડા કરાર વિના કોઈપણ મકાન કે જગ્યા ભાડે આપી કે લઈ શકાશે નહીં

લેખીત ભાડા કરાર વિના કોઈપણ મકાન કે જગ્યા ભાડે આપી કે લઈ શકાશે નહીં

(બ્યુરો)         અમદાવાદ તા.૩:
અત્યાર સુધી મકાન ભાડૂઆતની તરફેણમાં રહેતા કાયદા બાદ મોટાપાયે અનેક મકાન માલિકો તેમની મિલકતનો કબજો ગુમાવવાના ભયે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લાખો મકાનો ખાલી રાખતા હતા, પરંતુ ભાડે આપતા નહોતા. તેવી પરિસ્થિતિ બાદ હવે રાજ્ય સરકાર મકાન માલિકોને તેમના મકાન કે જગ્યા ભાડે આપવા માટેનો વિશ્વાસ ઊભો થાય તે માટે ભાડા કરારનું જડબેસલાક નિયમન થાય અને બંનેના અધિકારો અને જવાબદારી સંતુલિત બને તે રીતે વિધાનસભામાં વિધેયક લાવવા જઈ રહી છે. વિધેયકમાં મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે કોઈ વિવાદ હોય તો ભાડા સત્તાધિકારી, ભાડા કોર્ટ અને ભાડા ટ્રિબ્યુનલની નિમણૂક કરવાની જોગવાઈ પણ રખાઈ છે. વિધાનસભાના ચોમાસું સત્રમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મકાન (જગ્યા) ભાડે આપવાનું નિયમ કરવા અને મકાન માલિક તથા ભાડૂઆતના હિત સંબંધોનું રક્ષણ કરવા માટે ભાડા સત્તામંડળની સ્થાપના કરવા અને તકરારોના નિવારણ માટે ઝડપી ન્યાય મળે તે સહિતની વ્યવસ્થાની જોગવાઈ કરવાનું વિધેયક રજૂ કરવામાં આવશે. જૂના ભાડા કાયદામાં સુધારો કરવા ભારત સરકારે નમૂનારૂપ ભાડૂત હક અધિનિયમ (એમટીએ) ૨૦૨૧માં ઘડયો હતો. તેને અનુરૂપ કાયદો રાજ્ય સરકાર ઘડવા જઈ રહી છે. આ કાયદો અમલી બન્યા બાદ હાલ અમલી હોય તેવી કોઈપણ જોગવાઈ છતાં લેખિતમાં ભાડા કરાર કર્યા વગર કોઈપણ મકાન (જગ્યા) ભાડે આપી શકાશે નહીં કે લઈ શકાશે નહીં.