વડાલમાં ઉપસરપંચ પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, આરોપીઓનો વરઘોડો કાઢવાની ગ્રામજનોની માગ

વેરાની નોટિસના મનદુઃખમાં હુમલો થયાનો આક્ષેપ, એક આરોપીની ધરપકડ; ન્યાય નહીં મળે તો હાઈવે ચક્કાજામની ચીમકી

વડાલમાં ઉપસરપંચ પર હુમલાના વિરોધમાં ગામ સજ્જડ બંધ, આરોપીઓનો વરઘોડો કાઢવાની ગ્રામજનોની માગ

જૂનાગઢ, તા.૨૫
જૂનાગઢ તાલુકાના વડાલ ગામમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ પર થયેલા હુમલાના વિરોધમાં ગ્રામજનો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપસરપંચ વિઠ્ઠલભાઈ મનસુખભાઈ કાપડીયા પર થયેલા હુમલાની ઘટનાને પગલે વડાલ ગામમાં વેપારીઓએ સ્વયંભૂ રીતે દુકાનો અને ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી તેમને જાહેરમાં વરઘોડો કાઢવાની માગ પણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વડાલ રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા વિઠ્ઠલભાઈ કાપડીયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવે છે. ગામમાં બાકી પડેલા પંચાયત વેરાની વસૂલાત માટે તેઓ પારસભાઈ રમેશભાઈ કાપડીયાને વારંવાર રજૂઆત કરતા હતા. આ બાબતને લઈને બંને વચ્ચે મનદુઃખ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન વડાલ બસ સ્ટેન્ડ નજીક ઉપસરપંચ વિઠ્ઠલભાઈ કાપડીયા અને પારસ કાપડીયા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે પારસ કાપડીયાના સાગરીત મહેશ ખોડભાયા સફેદ રંગની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને લાકડી વડે ઉપસરપંચ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં વિઠ્ઠલભાઈના ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાનું તેમજ વાસાના ભાગે પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પારસ રમેશભાઈ કાપડીયા અને મહેશ ખોડભાયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમાં હુમલો, ઈજા પહોંચાડવી, ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કાર્યવાહીનો સમાવેશ થાય છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ હુમલાની ઘટનાથી વડાલ ગામમાં સ્થાનિકો અને વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગામના વેપારીઓ અને ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાળીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. સ્થાનિક આગેવાન પ્રફુલ્લ દોમડિયાએ જણાવ્યું હતું કે પંચાયતના વેરાની ઉઘરાણીના મામલે ઉપસરપંચ પર હુમલો થયો છે અને સમગ્ર ઘટનામાં પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. તેમણે ચીમકી આપી હતી કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં હાઈવે ચક્કાજામ કરવામાં આવી શકે છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ છગનભાઈ બચુભાઈ ઉમરેઠિયાએ પણ ઘટનાને વખોડી કાઢી હતી. તેમના જણાવ્યા મુજબ પંચાયતના વેરાની નોટિસના મામલે ઉપસરપંચ પર હુમલો કરાયો છે અને તેના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા કમિટી દ્વારા ગામ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. ગ્રામજનો અને વેપારીઓએ પણ આ બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
સ્થાનિક વેપારી ભાવેશ ડાભીએ જણાવ્યું હતું કે વડાલના નાના-મોટા તમામ વેપારીઓએ બંધમાં જોડાઈને હુમલાની ઘટનાનો વિરોધ કર્યો છે. તેમણે પણ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે જણાવ્યું હતું કે હાલ ગ્રામજનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ જો સમયસર ન્યાય નહીં મળે તો જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી છે.
આમ, ઉપસરપંચ પર થયેલા હુમલાને પગલે વડાલ ગામમાં વિરોધનો માહોલ સર્જાયો છે. એક તરફ પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે, તો બીજી તરફ ગ્રામજનો તમામ આરોપીઓની ધરપકડ અને કડક પગલાંની માગ સાથે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી રહ્યા છે.