ગોવિંદા-સુનિતા વચ્ચેના મતભેદની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં મોટું પગલું, બંનેએ એકબીજાને કર્યા અનફોલો

છૂટાછેડાની અટકળો વચ્ચે સંબંધને લઈને ફરી ચર્ચા તેજ, સુનિતાના તાજેતરના દાવા બાદ વિવાદે પકડ્યો વેગ

ગોવિંદા-સુનિતા વચ્ચેના મતભેદની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં મોટું પગલું, બંનેએ એકબીજાને કર્યા અનફોલો

મુંબઈ, તા.૨૫
બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચા ફરી એકવાર તેજ બની છે. બંને વચ્ચે અણબનાવ અને છૂટાછેડાની અટકળો વચ્ચે હવે સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને વધુ એક ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર ગોવિંદા અને સુનિતાએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.
આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે સુનિતા આહુજાએ અભિનેત્રી રાખી સાવંત સાથેની વાતચીત દરમિયાન ગોવિંદા અને કોમલ રાની સ્વર્ણકારને લઈને દાવો કર્યો હતો. સુનિતાના જણાવ્યા પ્રમાણે ગોવિંદા કોમલ રાની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા અને આ કારણસર છૂટાછેડાનો કેસ પાછો ખેંચવામાં આવ્યો હતો.
જોકે, ગોવિંદાના મેનેજરે સુનિતાના આ દાવાને નકારી કાઢ્યો હતો અને બંને વચ્ચે લગ્ન જેવી કોઈ વાત ન હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન ગોવિંદા અને કોમલ રાની ફરી એકસાથે જોવા મળતાં સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ ઉગ્ર બની હતી.
હવે બંનેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો સુનિતા આહુજા ગોવિંદાના એક ફેન પેજને ફોલો કરતી જોવા મળે છે, પરંતુ ગોવિંદાનું સત્તાવાર એકાઉન્ટ તેમની ફોલોઇંગ લિસ્ટમાં નજરે પડતું નથી. બીજી તરફ ગોવિંદાના એકાઉન્ટની ફોલોઇંગ લિસ્ટમાં પણ સુનિતા આહુજાનું નામ જોવા મળતું નથી. જોકે, આ સોશિયલ મીડિયા બદલાવને લઈને બંને તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનિતાએ વર્ષ 1987માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ગોવિંદાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆતના વર્ષોમાં લગ્નની વાત જાહેર ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. બંનેના લગ્નજીવન દરમિયાન અગાઉ પણ મતભેદ અને સંબંધોમાં તણાવના અહેવાલો સામે આવી ચૂક્યા છે.
સુનિતા અગાઉ ‘લૉકઅપ’ જેવા શોમાં ગોવિંદાના કથિત અફેર્સ અંગે પણ વાત કરી ચૂકી છે. ગોવિંદાનું નામ ભૂતકાળમાં નીલમ કોઠારીથી લઈને રાની મુખર્જી સહિતની અભિનેત્રીઓ સાથે જોડાયું હોવાની ચર્ચા રહી છે.
હાલ ગોવિંદા અને સુનિતા વચ્ચે ખરેખર શું ચાલી રહ્યું છે તે અંગે બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે કંઈ જણાવ્યું નથી. તેથી સોશિયલ મીડિયા પર થયેલા અનફોલોને લઈને હાલ અટકળો જ ચાલી રહી છે.