આગામી રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારી, જૂનાગઢની બજારોમાં આકર્ષક રાખડીનું ધુમ વેંચાણ
અવનવી વેરાયટી સાથેની રંગબેરંગી કલાત્મક રાખડીઓથી બજાર ઉભરાયું
જૂનાગઢ તા.૨૫
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં આગામી રક્ષાબંધનનાં તહેવારો ઉજવવા માટેની તૈયારીના ભાગરૂપે બજારોમાં આકર્ષક રાખડીઓનો જાણે ખજાનો આવી ગયો હોય તેમ લાગે છે. બજારોમાં અવનવી વેરાયટીની રાખડીઓ આવી ગઈ છે. રાખડી વેચાણ માટેનાં સ્ટોલો પણ શરૂ થઈ ગયા છે. અને રાખડીઓનો ખજાનો મળી રહયો છે ગત તા.૧૩ ઓગષ્ટને ગુરૂવારથી શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ દેવાધીદેવ ભગવાન શિવજીની આરાધનામાં ભકતો લીન બન્યા છે. શિવમંદિરોમાં ભગવાન શિવજીની વિશેષ પૂજાનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. શ્રાવણ માસના પ્રારંભ થતાની સાથે જ તહેવારોની જાણે મોસમ શરૂ થઈ ગઈ હોય તેમ લાગે છે. શ્રાવણ માસ દરમ્યાન વિવિધ તહેવારો આવતા હોય તેની ઉત્સાહભેર ઉજવણી માટે લોકોમાં થનગનાટ પ્રસરી ગયો છે. આગામી દિવસોમાં તા.૨૮ ઓગષ્ટનાં રક્ષાબંધન પર્વ આવી રહયું છે ત્યારે આગામી રક્ષાબંધનનાં પર્વને ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ અને બહેનનો આ તહેવાર છે. રક્ષાબંધનનાં પર્વે બહેન પોતાના વિરાને કપાળે કંકુ ચોખાથી ચાંદલો કરી ભાઈનાં ઓવારણા લઈ ભાઈના કાંડે રક્ષા રૂપી રાખડી બાંધી પોતાનો ભાઈ સુખ, સમૃધ્ધી સાથે આનંદમય જીવન વિતાવે તેવી શુભકામના સાથે આશીર્વાદ આપે છે. જયારે ભાઈ પોતાની બહેનની રક્ષા માટે કટીબધ્ધ બને છે. બહેન-ભાઈનાં પવિત્ર સંબંધના ભાગરૂપે આપણે ત્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંપરાગત રીતે ઉજવતા રક્ષાબંધન પર્વમાં અગાઉ વર્ષો પહેલા સુતરના તાંતણા રૂપી રક્ષા પોટલી બહેન પોતાના વિરાને કાંડે બાંધતી અને આશીર્વાદ પાઠવતી એ પરંપરા આજે પણ જળવાઈ રહેલી છે. આજે યુગ પરિવર્તન થયું છે પરંતુ પરંપરાગત રીતે ઉજવાતા તહેવારો આજે પણ એટલાજ ભાવથી ગૌરવથી ઉજવાઈ છે. ફરક માત્ર એટલો છે કે, નવા યુગમાં આજે સુતરનાં તાંતણાનું સ્થાન આકર્ષક રાખડીઓેએ લીધું છે. અને ખાસ રક્ષાબંધનનાં તહેવારને ધ્યાને લઈ રંગબેરંગી રાખડીઓ બનાવવામાં આવે છે અને મોટાપાયે રાખડીઓનો ઉદ્યોગ સારી રીતે ચાલી રહય છે. નીત નવી જુદી જુદી વેરાયટી સાથેની રાખડી આજે બજારોમાં જાેવા મળી રહી છે. રક્ષાબંધનના તહેવાર આડે માત્ર બે દિવસ છે. આગામી તા.ર૮મી ઓગષ્ટના રક્ષાબંધનનું પર્વ આવી રહયું છે. પરંતુ રક્ષાબંધનના તહેવારને ઉજવવાનાં ભાગરૂપે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એકલા જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશભરમાં રક્ષાબંધનનાં પર્વ પ્રસંગે બજારોમાં આકર્ષક રાખડીઓનું આગમન થઈ ગયું છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં વિવિધ બજારોમાં રાખડીઓનો ખજાનો આવી ગયો છે. ઉપરાંત વિવિધ માર્ગો ઉપર રાખડી માટેનાં વેચાણ કેન્દ્રો પણ શરૂ થઈ ગયા છે. આ વર્ષે રાખડીઓનો ટ્રેન્ડ બદલાયો હોય તેમ લાગે છે. બજારોમાં બાળકોથી લઈ મોટેરાઓને પસંદ પડે તેવી અવનવી રાખડી જાેવા મળી રહી છે. બાળકો માટે કાર્ટુન, કેરેકટર, મ્યુઝીકલ લાઈટ, ફોટા તથા મોટેરા માટે રૂદ્રાક્ષ રાખડી તેમજ ચંદન, સુખડ, મોરપીંછ, ડાયમંડવાળી ફેન્સી રાખડી ઉપરાંત ભગવાનનાં નામોવાળી રાખડી સહીત સંખ્યાબંધ રાખડીઓની નવી નવી વેરાયટીથી બજાર ઉભરાયું છે. અને રક્ષાબંધન પર્વને ધ્યાને રાખી કલાત્મક અને વિવિધ રાખડીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે.


