વડતાલધામના કાર્તિકી સમૈયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, બે નવનિર્મિત ભવનોનું લોકાર્પણ
શ્યામ વલ્લભદાસજી સ્વામી સ્મૃતિદ્વાર અને શ્રી હરિકૃષ્ણ મહારાજ કુમાર શાળાના નવા ભવનનું ઈ-લોકાર્પણ; નશામુક્ત ભારતના અભિયાનમાં જોડાવા હરિભક્તોને અપીલ
આણંદ તા.23
વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થાન દ્વારા આયોજિત કાર્તિકી સમૈયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે અક્ષર નિવાસી પૂજ્ય શ્યામ વલ્લભદાસજી સ્વામીના સ્મરણાર્થે નિર્મિત સ્મૃતિદ્વાર તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજ કુમાર શાળાના નવનિર્મિત ભવનનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સહિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડતાલધામમાં યોજાતો આ ધાર્મિક ઉત્સવ આસ્થા અને ભક્તિની સાથે શિક્ષણ તથા વિકાસના કાર્યોને પણ જોડે છે. આ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના વિચારનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે વડતાલધામને લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર ગણાવતાં કહ્યું કે આ પવિત્ર ભૂમિ પર શિક્ષાપત્રીની રચના થઈ હતી, જેમાં લોકસેવા અને સમાજના કલ્યાણનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે સંતોએ હંમેશાં માનવસેવાને સાચી ભક્તિનું સ્વરૂપ ગણાવ્યું છે. મંદિરના દર્શન અને પ્રાર્થનાની સાથે ભગવાને સર્જેલા માનવીની સેવા કરવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માનવસેવાને રાષ્ટ્રસેવા સાથે જોડીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે ગરીબ કલ્યાણની યોજનાઓના માધ્યમથી 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં મદદ મળી છે.
વડતાલ સંપ્રદાય દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સમાજસેવાના ક્ષેત્રે કરવામાં આવતા કાર્યોની પણ મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. સંસ્થાન દ્વારા બે હજારથી વધુ આંગણવાડીઓ અને બાલમંદિરોમાં પૌષ્ટિક આહારની વ્યવસ્થા, જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને હોસ્ટેલ સુવિધા તેમજ મફત સારવાર આપતી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી સેવાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
આ ઉપરાંત નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા વડતાલધામના અનુયાયીઓને સક્રિય સહભાગી બનવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. મંદિરના સત્સંગ અને ધાર્મિક સભાઓમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ દરેક હરિભક્ત આ અભિયાનનો હિસ્સો બને તેવો અનુરોધ કર્યો હતો. તેમણે વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે નશામુક્ત સમાજના નિર્માણમાં સૌએ યોગદાન આપવા પણ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં વડતાલધામના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા અને કમલેશભાઈ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, વિવિધ સંતો-મહંતો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


