જેતપરના ખેડૂતો માટે ગુજરાત સરકારની ભેટ: વીજ ટાવર-લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો

જંત્રી નહીં, હવે બજાર ભાવના બમણા દરે વળતર; એક જ હપ્તામાં મળશે 100 ટકા ચૂકવણી

જેતપરના ખેડૂતો માટે ગુજરાત સરકારની ભેટ: વીજ ટાવર-લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો

ગાંધીનગર તા.3
ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર માટે જંત્રીના આધારે નહીં, પરંતુ જમીનની વાસ્તવિક બજાર કિંમતના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે.
સરકારે ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં પણ ખેડૂતોને વધુ લાભ મળે તે માટે દરેક બાજુએ એક-એક મીટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે 765 કે.વી. લાઇન માટે અગાઉ 625 ચોરસ મીટરનું વળતર મળતું હતું, તે હવે વધીને 729 ચોરસ મીટર મુજબ મળશે.
અત્યાર સુધી વળતર ત્રણ હપ્તામાં ચૂકવાતું હતું, પરંતુ હવે જમીનમાલિકોને કામ શરૂ થાય તે પહેલાં જ એક સાથે 100 ટકા વળતર આપવામાં આવશે.
જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે રાજ્ય સરકાર 'માર્કેટ રેટ કમિટી'ની રચના કરશે. આ સમિતિમાં કલેક્ટર, ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિ ઉપરાંત અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને અધિકૃત માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે.
વીજ લાઇનના રાઇટ ઓફ વે માટે ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30 ટકા, નગરપાલિકા વિસ્તારમાં 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60 ટકા મુજબ વળતર ચૂકવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયનો લાભ એવા ખેડૂતોને પણ મળશે, જેમણે જૂના દરે વળતર મેળવી લીધું છે પરંતુ જેમના વિસ્તારમાં વીજ લાઇનનું કામ હજુ ચાલુ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે.