વામિકા ગબ્બીની સાઉથની મોટી ફિલ્મમાં એન્ટ્રી, ‘જય હનુમાન’માં ઋષભ શેટ્ટી સાથે જોવા મળશે
‘હનુમાન’ની સિક્વલમાં ઋષભ શેટ્ટી હનુમાનના પાત્રમાં, વામિકા ગબ્બીને મળ્યો મહત્વનો પ્રોજેક્ટ
મુંબઈ, તા. 12
અભિનેત્રી વામિકા ગબ્બીની કારકિર્દીમાં વધુ એક મોટા પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. વામિકા હવે સાઉથની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સામેલ ‘જય હનુમાન’માં જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા ઋષભ શેટ્ટી મહત્વની ભૂમિકામાં છે અને વામિકાની આ ફિલ્મ તેની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
‘જય હનુમાન’ વર્ષ 2024માં રિલીઝ થયેલી પ્રશાંત વર્માની સફળ ફિલ્મ ‘હનુ-માન’ની સિક્વલ છે. પહેલી ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યા બાદ તેની સિક્વલને લઈને પહેલેથી જ ભારે ઉત્સુકતા છે. ‘જય હનુમાન’માં ઋષભ શેટ્ટી હનુમાનજીની ભૂમિકા ભજવી રહ્યો છે, જેના કારણે ફિલ્મની કાસ્ટને લઈને પણ સતત ચર્ચા થઈ રહી છે.
હવે વામિકા ગબ્બી પણ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ભાગ બની છે. અભિનેત્રી અગાઉ હિન્દી ઉપરાંત પંજાબી, મલયાલમ અને તમિલ ફિલ્મોમાં પણ પોતાની અભિનય ક્ષમતા દર્શાવી ચૂકી છે. અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવા માટે જાણીતી વામિકા માટે ‘જય હનુમાન’ એક અલગ પ્રકારનો પડકાર પણ બની શકે છે.
વામિકાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘પ્રહાર’માં પણ જોવા મળશે, જે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત તાજેતરમાં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘ડીસી: ધ બ્લડી વેલેન્ટાઇન’માં ચંદ્રાના પાત્રમાં તેના અભિનયની પણ પ્રશંસા થઈ હતી.
વામિકા ગબ્બીને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા પણ જોવા મળે છે કે તેની પ્રતિભા પ્રમાણે તેની કારકિર્દીને હજુ સુધી અપેક્ષિત ઊંચાઈ મળી નથી. શરૂઆતના તબક્કામાં ફિલ્મોની પસંદગીમાં થયેલી કેટલીક ભૂલોને કારણે તેની કારકિર્દીની ગતિ ધીમી રહી હોવાનું પણ માનવામાં આવે છે. હવે ‘જય હનુમાન’ જેવા મોટા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ વામિકાની કારકિર્દીને નવી દિશા મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


