ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની મુંબઈથી ધરપકડ કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૦
ઉદયપુરના એક ડોક્ટરે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટે તેમને તેમની દિવંગત પત્ની આધારિત બાયોપિક બનાવવા સહિત ફિલ્મોના રોકાણ માટે ૩૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. ડિરેક્ટરે આ ફિલ્મોની રિલીઝ બાદ ૨૦૦ કરોડ રૂપિયા કમાવાનો વાયદો કર્યો હતો.
ત્યારે હવે આ મામલે ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની રાજસ્થાન પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. ડિરેક્ટરને તેમની સાળીના ઘર મુંબઈના યારી રોડ વિસ્તારમાં ગંગા ભવન એપાર્ટમેન્ટથી ઝડપી લેવાયા છે. હવે રાજસ્થાન પોલીસ તેમને પોતાની સાથે ઉદયપુર લઈ જવા માટે બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરશે.
જણાવી દઈએ કે, ૭ દિવસ પહેલા ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સંસ્થાપક ડૉ. અજય મુર્ડિયા પાસેથી ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી ડિરેક્ટર વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટ, એક સ્થાનિક વ્યક્તિ દિનેશ કટારિયા સહિત ૬ આરોપીઓ વિરૂદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જારી કરી હતી. તમામ આરોપીઓને ૮ ડિસેમ્બર સુધીમાં ઉદયપુર પોલીસ સમક્ષ હાજર થવા માટે પણ નોટિસ અપાઈ હતી. આ સિવાય તેમાંથી કોઈપણ આરોપી વગર મંજૂરીએ વિદેશ નહીં જઈ શકે.


