પશ્ચિમ બંગાળમાં આચારસંહિતા લાગુ થતા જ ચૂંટણી પંચ એકશનમાં મુખ્ય સચીવ, ડીજીપી, ગૃહ સચીવ, પોલીસ કમિશ્નરની બદલી
(એજન્સી) કોલકતા તા.૧૬ :
પશ્ચિમ બંગાળમાં જાહેર થયેલી ધારાસભા ચૂંટણીના કલાકોમાંજ ચુંટણી પંચે એક આદેશમાં રાજયના મુખ્ય સચિવ તથા ગૃહ સચીવની બદલી કરી તેઓને ચુંટણીલક્ષી કામગીરીથી દુર કરી દીધા છે. તે જ પ્રકારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી, કલકતાના પોલીસ કમિશ્નર અને એડીશ્નલ ડીજી લો એન્ડ ઓર્ડરની પણ બદલી કરી નાંખી છે.
લાંબા સમયથી રાજયની મમતા બેનરજી સરકાર સાથે ટકકરમાં રહેલા પંચે આચાર સંહિતામાં સતા મળતા જ રાજયમાં મુખ્ય સચીવ નંદીની ચકવોર્તીને સ્થાને ૧૯૯૬ બેચના અધિકારી દુષ્યંત નારીયાલાને મુખ્ય સચીવ તરીકે મુકયા છે. તો રાજયના ગૃહ વિભાગના પ્રિન્સીપાલ સચીવ તરીકે ફરજ બજાવતા જગદીશ પ્રસાદ મીનાના સ્થાને ૧૯૯૭ બેચના આઈએએસ અધિકારી સંઘમિત્રા ઘોષને નવા ગૃહ સચીવ બનાવ્યા છે. ચૂંટણી પંચના આદેશ મુજબ સિધ્ધનાથ ગુપ્તાને પશ્ચિમ બંગાળના નવા ડીજી બનાવવામાં આવ્યા જયારે અજય નંદ કલકતાના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. પંચે આ આદેશનો તાત્કાલીક અસરથી અમલી બનાવ્યા છે. તૃણમુલ કોંગ્રેસે આ બદલી પર સીધો પ્રહાર કરતા કટાક્ષ કર્યો કે ચુંટણીપંચે તેના રાજકીય બોસને ખુશ કરવા આ બદલી કરી છે પણ તે બંગાળની જનતાના હૃદય જીતી શકશે નહી.


