‘વંદે માતરમ’ને રાષ્ટ્રગાન સમાન દરજ્જાે
રાષ્ટ્રગાન બાદ તુરત જ ૬ પંકતીઓવાળા વંદેમાતરમને ગાવામાં આવશે : કેન્દ્ર સરકારે માર્ગદર્શીકા જાહેર કરી: સરકારી કાર્યક્રમો, શાળાઓ અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વંદેમાતરમ વગાડવું ફરજીયાત રહેશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૧ :
દેશના આઝાદી આંદોલન સમયે સ્વતંત્રતા સેનાનીઓ માટે એક જુસ્સો બની ગયેલા અને દેશભરમાં ગુંજી ઉઠેલી બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રચના ‘વંદેમાતરમ‘ને હવે ૧૫૦ વર્ષ ન્યાય મળ્યો છે. દેશનું રાષ્ટ્રગીત બની નહી શકેલા વંદેમાતરમને મોદી સરકારે હવે જન-ગણ-મનથી પ્રારંભ થતા રાષ્ટ્રગાન સમાન દરજજો આપવાની જાહેરાત કરી છે અને હવે વંદેમાતરમના ગાયન સમયના નવા પ્રોટોકોલનું પાલન કરવું પડશે તે નિશ્ચિત કર્યુ છે.
જે મુજબ રાષ્ટ્રગાન (જન ગણ મન) બાદ તુર્તજ ૬ પંક્તિ વાળા વંદેમાતરમને ગાવામાં આવશે અને તે સમયે રાષ્ટ્રગીત સમાન જ સન્માન વંદેમાતરમને મળશે. સૌ ઉભા થઈને સાવધાન મુદ્રામાં આ ગીતનું ગાયન કરશે અથવા સાંભળશે.
કુલ ૩ મીનીટ ૧૦ સેક્ન્ડનું વંદેમાતરમ ગણાશે.જો રાષ્ટ્રગીત (જન ગણ મન) અને વંદેમાતરમ બન્ને ગાવાના હોય તો વંદેમાતરમ પહેલા
ગવાશે. આ વર્ષને જ વંદેમાતરમની રચનાના ૧૫૦માં વર્ષ તરીકે ઉજવણી શરૂ થઈ છે અને દેશભરમાં તેના અલગ અલગ કાર્યક્રમો યોજાઈ
રહ્યા છે તે સમયે જ કેન્દ્ર સરકારે હવે આ સ્વતંત્રતા માટે પ્રેરક બની ગયેલા ગીતને સર્વોચ્ચ સન્માન આપ્યુ છે.
કેન્દ્ર સરકારે વંદે માતરમ અંગે નવી માર્ગદશિર્કા આજે જારી કરી છે. નવા નિર્દેશ હેઠળ સરકારી કાર્યક્રમો, શાળાઓ અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વંદે માતરમ વગાડવું હવે ફરજિયાત રહેશે. દરેક વ્યક્તિએ ઉભા થઈને સન્માન આપવું પડશે, જેમ તેઓ રાષ્ટ્રગીત જન ગણ મન દરમિયાન કરે છે. જોકે, સિનેમા હોલમાં ફિલ્મો દરમિયાન આ નિયમ લાગુ પડશે નહીં.


