આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ સર્જાયેલી કરૂણાંતિકા 

બિહારના લખીમસરાયના અશોકધામ મંદિરમાં ભારે ભાગદોડ : ૭ મહિલા શ્રધ્ધાળુના મોત

આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ સર્જાયેલી કરૂણાંતિકા 

(એજન્સી)     લખીસરાય તા.૧૭
બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જળાભિષેક દરમિયાન ભાગદોડ મચતા ૭ મહિલા શ્રદ્ધાળુઓના મોત નિપજયા હતા, જયારે ૧૨થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. મંદિર થાંભલામાં વીજ કરંટની અફવા ફેલાતા ભાગદોડ મચી હતી. શ્રાવણ મહિના પ્રથમ સોમવારે અહીંના પ્રસિદ્ધ લખીસરાય મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી. ઘટના અશોકધામ મંદિર જવાના રસ્તા પર બની હતી. પ્રાથમીક માહિતી મુજબ રાત્રે રસ્તા પર વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો. સોમવારે સવારે ૬૦ હજાર લોકો લાઈનમાં ઉભા હતા, ત્યારે થાંભલામાં કરંટ ફેલાયાની અફવા ફેલાતા શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં બેરીકેડ તુટી પડતા બધા એકબીજા પર પડવા લાગ્યા હતા. જોત જોતામાં ભાગદોડ અને ચીસાચીસ મચી ગઈ હતી. લોકોએ એકબીજાને સંભાળવાની અને બહાર કાઢવાની કોશિશ કરી. આ ભાગદોડમાં ૭ મહિલાઓના મૃત્યુ થયા છે, જયારે ૧૨થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે, પુરુષોની લાઇન તરફ એક થાંભલો પડી ગયો. ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે લોકો પર વીજળીની ચાલુ લાઇનનો તાર પડ્યો છે, જ્યારે તે માત્ર એક કેબલ વાયર (ડિશ/ઇન્ટરનેટનો તાર) હતો. પુરુષો તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન પર આવ્યું, જેના કારણે મહિલાઓ એકબીજા પર પડી ગઈ. ચાર મૃતકોની ઓળખ થઈ છે. તેમાં લખીસરાયના મધુબાલા દેવી, મનમાલા દેવી, હેમલતા દેવી અને મુંગેરના રિંકુ દેવી છે. વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટના અંગે ભારે દુ:ખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે. અને આ સમગ્ર દુર્ઘટનાની ન્યાયીક તપાસના આદેશો આપવામાં આવ્યા છે.