છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ

માર્યા ગયેલા નક્સલીઓમાં કુખ્યાત જનમિલિશિયા કમાન્ડર અને સ્નાઈપર સ્પેશિયાલિસ્ટ માડવી દેવાનો પણ સમાવેશ થાય છે

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુકમા, તા.૧૭
છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ (નક્સલીઓ) વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભેજ્જી-ચિંતાગુફા સરહદ પર આવેલા તુમાલપાડ જંગલમાં થયેલી આ અથડામણમાં ૧૫ લાખ રૂપિયાના ત્રણ ઇનામી નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં કુખ્યાત જનમિલિશિયા કમાન્ડર અને સ્નાઈપર સ્પેશિયાલિસ્ટ માડવી દેવાનો પણ સમાવેશ થાય છે.
સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણના જણાવ્યા અનુસાર, જંગલમાં મોટા નક્સલી નેતાઓની હાજરીની ચોક્કસ બાતમી મળ્યા બાદ ડીઆરજી (DRG)ની ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન, રવિવારે સવારથી જ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છૂટીછવાઈ ગોળીબારી શરૂ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી ચાલેલી અથડામણ બાદ, જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચિંગ હાથ ધર્યું, ત્યારે ત્રણ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
ઘટનાસ્થળેથી એક .૩૦૩ રાઇફલ, બીજીએલ (બેરલ ગ્રેનેડ લોન્ચર્સ) અને મોટી માત્રામાં ગોળા-બારૂદ પણ જપ્ત કરવામાં આવ્યો છે. માર્યા ગયેલા ત્રણેય નક્સલીઓની ઓળખ માડવી દેવા, પોડિયમ ગંગી અને સોડી ગંગી તરીકે થઈ છે. આ ત્રણેય પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું.
માડવી દેવા તે જનમિલિશિયા કમાન્ડર, સ્નાઈપર સ્પેશિયાલિસ્ટ અને એરિયા કમિટીનો સભ્ય હતો. તે નિર્દોષ ગ્રામીણોની હત્યા અને સ્નાઈપર હુમલાઓનો મુખ્ય આરોપી હતો. મહત્વની વાત એ છે કે, ૯ જૂનના રોજ થયેલા IED બ્લાસ્ટમાં શહીદ થયેલા ASP આકાશ રાવની ઘટનાનો તે માસ્ટરમાઇન્ડ હતો.
IGP બસ્તર રેન્જના આઈજીપી સુંદરરાજ પટ્ટલિંગમે જણાવ્યું કે બસ્તરમાં નક્સલવાદ હવે તેના અંતિમ તબક્કામાં છે. છેલ્લા બે વર્ષમાં ૪૫૦ જેટલા નક્સલીઓ માર્યા ગયા છે, જે સંગઠનની નબળાઈ દર્શાવે છે. તેમણે કહ્યું કે હવે નક્સલી કેડરો પાસે હિંસા છોડીને પુનર્વસન નીતિ અપનાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. 
હાલમાં આ વિસ્તારમાં ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને સીઆરપીએફ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.