નેપાળમાં Gen-Z : બાલેન શાહની રાષ્ટ્રીય પાર્ટીનું વાવાઝોડુ : જુના જાેગીઓનો સફાયો
(એજન્સી) કાઠમંડુ, તા.૬:
નેપાળના રાજકીય આકાશમાં એક નવો સૂરજ ઊગી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. શરૂઆતના વલણોમાં પૂર્વ રેપર અને કાઠમંડુના લોકપ્રિય નેતા બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એ જે રીતે લીડ મેળવી છે, તેણે રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીના આંકડા મુજબ RSP ૨૩ બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે નેપાળી કોંગ્રેસ અને CPN-UML જેવી દિગ્ગજ પાર્ટીઓ માંડ ૩-૩ બેઠકો પર સંઘર્ષ કરતી દેખાય છે. આ પરિણામો માત્ર આંકડા નથી, પરંતુ નેપાળના એ યુવા મતદારોનો આક્રોશ છે જેઓ વર્ષોથી ચાલી આવતી અસ્થિરતા અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે.
ગત વર્ષે નેપાળમાં જે રીતે હિંસક વિરોધ પ્રદર્શનો થયા અને સત્તાપલટો જોવા મળ્યો, તેના પડઘા અત્યારે બેલેટ બોકસમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. કેપી શર્મા ઓલી જેવા દિગ્ગજ નેતાઓ પોતાની પરંપરાગત બેઠકો બચાવવા માટે મથામણ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે જનતાએ હવે સ્ટેટસ કવો એટલે કે યથાવત સ્થિતિને નકારી દીધી છે. બાલેન શાહના નેતૃત્વમાં RSPએ સુશાસન, ટેકનોલોજી આધારિત વહીવટ અને ભત્રીજાવાદના અંતના જે વચનો આપ્યા હતા, તેને જનતાએ ખુલ્લા હાથે સ્વીકાર્યા હોય તેમ જણાય છે.


